રાજકોટ ભાવનગર હાઈવે પર બોલેરો પુલ પરથી નીચે ખાબકી: બેનાં મોત

રાજકોટઃ રાજકોટ-ભાવનગર રોડ (Rajkot-Bhavnagar Road Accident)પર આવેલા મહિકા ગામ નજીક ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ મોટો અકસ્માત સર્જાયો હતો. રાજકોટના માર્ગ અને મકાન વિભાગના અધિકારીની બોલેરો ગાડીને અકસ્માત નડ્યો હતો, જેમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી ઇજનેર ચંપકભાઈ પટેલ અને ડ્રાઇવર જાવેદભાઈ પઢિયારનું મોત થયું. અકસ્માત અંગે સ્થાનિકે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી દેવામાં આવી છે.
સરકારી અધિકારી ચંપક પટેલ અને ડ્રાઇવર જાવેદ પઢિયારનું મોત
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સરકારી બોલેરો ગાડી પુલ નીચે ખાબકતા બન્ને સરકારી કર્મીના નિપજ્યા મોત હતાં. માર્ગ અને મકાન વિભાગના અધિકારી ભાવનગર વિઝીટ માટે ગયા હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે, આ તેમની જીવનની છેલ્લી વિઝીટ હશે? માર્ગ અને મકાન વિભાગના અધિકારી ભાવનગરથી વિઝીટ પૂર્ણ કરીને રાજકોટ આવી રહ્યાં હતા. આ દરમિયાન મહીકા ગામ નજીક વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે ગોળાઈમાં તેમની ગાડી રોડની સાઈડનું ડિવાઈડર તોડી 10 ફૂટ નીચે નાળામાં ખાબકી હતી. અકસ્માત ગંભીર હોવાના કારણે બન્નેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
ભાવનગરમાં એક વિઝીટ માટે ગયા હતા અધિકારી ચંપક પટેલ
ઘટનાની પ્રાથમિક તપાસ પ્રમાણે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં કાર નીચે ખાબકી હતી. મળતી વિગતો પ્રમાણે અકસ્માતમાં મૃત્યુ પામનાર માર્ગ અને મકાન વિભાગના અધિકારી ચંપક છનજી પટેલ છેલ્લાં 3 વર્ષથી રાજકોટમાં ફરજ બજાવતા હતાં. ગઈ કાલે તેઓ ભાવનગરમાં એક સાઈટમાં કામની વિઝીટ માટે ગયાં હતા અને પરત આવતી વખતે તેમને અકસ્માતરૂપી કાળ ભરખી હતો. તેની સાથે સાથે છેલ્લાં 15 વર્ષથી કોન્ટ્રેકટ બેઝ કર્મચારીમાં ડ્રાઇવર તરીકે જાવેદભાઈ યુનુસભાઈ પઢિયારનું પણ ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
આ પણ વાંચો….મુંબઈ સેન્ટ્રલમાં ટ્રેનમાંથી ઉતરવા જતા યુવક જીવલેણ અકસ્માતનો બન્યો ભોગ