ખાદ્યતેલના જૂના ડબ્બા પર પ્રતિબંધનો કડક અમલ: સૌરાષ્ટ્રમાં ફફડાટ અને ભાવવધારાની ભીતિ

રાજકોટઃ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તહેવારો ટાણે જ જૂના ડબ્બામાં ખાદ્યતેલ ભરવા કે વેચાણ કરવા પર પ્રતિબંધનો કડકાઈથી અમલ શરૂ થતા એકાદ-બે દિવસમાં જ માલખેંચની સ્થિતિ ઊભી થવા સાથે ડબ્બે રૂપિયા 80 સુધીનો ભાવવધારો થવાના ભણકારા વાગી રહ્યા છે. સૂત્રોએ કહ્યું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જૂના ડબ્બામાં ખાદ્યતેલોના વેચાણમાં કડક ચેકિંગ શરૂ થયુ છે. રાજકોટમાં ઉપરાઉપરી બે દિવસની ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
મીલરોએ જૂના ડબ્બામાં ખાદ્યતેલ ભરવાંનુ તથા વેપારીઓએ વેચવાનું બંધ કરી દીધુ હતું જેને પગલે આવતા દિવસોમાં અછતની સ્થિતિ સર્જાઈ શકે છે. એટલું જ નહીં ડબ્બે 80 રૂપિયાનો ભાવવધારો થવાના ભણકારા છે.
આપણ વાંચો: સપ્ટેમ્બરમાં ખાદ્યતેલની આયાત ૨૯ ટકા ઘટીને ૧૦.૬૪ લાખ ટન
વેપારીઓ- ઓઈલ મીલરોએ કહ્યું કે દૈનિક જરૂરિયાત મુજબના નવા ડબ્બા મળવાનું જ શકય નથી. સિંગતેલ, કપાસિયાતેલ, પામોલીનનું મોટું ચલણ છે. આ સિવાય રાયડા, સોયાબીન, સનફલાવર, મકાઈ જેવા અન્ય તેલોમાં પણ નોંધપાત્ર વેપાર-વેચાણ થતા હોય છે. દરરોજ લાખોની સંખ્યામાં ખાદ્યતેલોના ડબ્બા વેચાય છે અને પર્યાપ્ત સંખ્યામાં તે ઉપલબ્ધ થવાનું લગભગ અશકય છે.
કેન્દ્ર સરકારે થોડા વખત પૂર્વે આ કાયદો ઘડયો હતો. તેની સામે લોકલ સહિતના તેલ સંગઠનો દ્વારા વિરોધ કરતી રજૂઆતો પણ કરવામાં આવી હતી. કાયદો લાગુ રહેવા છતાં વેપારમાં કોઈ અસર ન હતી. પરંતુ હવે એકાએક કડક અમલ થતા ફફડાટ ઉભો થયો છે.
આપણ વાંચો: સરકારે ખાદ્યતેલના ઉછળતા ભાવ અંગે કંપનીઓ પાસેથી સ્પષ્ટતા માગી
સૂત્રોએ કહ્યું કે, સિંગતેલ-કપાસીયા જેવા ખાદ્યતેલોમાં તો જુના અને નવા એમ બંન્ને પ્રકારના ડબ્બામાં વેચાણ થતું હતું. પરંતુ જેનો સૌથી મોટો વપરાશ છે તે પામોલીન તો માત્ર જુના ડબ્બામાં જ વેચાતા હતા. સૌરાષ્ટ્રમાં દરરોજ 1.50 લાખ ડબ્બા પામોલીન તેલનું વેચાણ છે. નવા ખાલી ડબ્બા ઉપલબ્ધ ન થાય તો વેપાર પર મોટી અસર થશે.
મીલરો તેમ જ પેકિંગ એકમો પાસે તેલના ટાંકા ભરેલા હશે, પરંતુ ડબ્બાના અભાવે માર્કેટમાં પુરતો માલ નહીં આવી શકે. તહેવારો ટાણે જ અત્યંત ખરાબ હાલત ઉભી થવાની આશંકા છે. આવતા દિવસોમાં કેવો વળાંક આવે છે તેના પર મીલરો-વેપારીઓની નજર છે