સપ્ટેમ્બરમાં ખાદ્યતેલની આયાત ૨૯ ટકા ઘટીને ૧૦.૬૪ લાખ ટન
નવી દિલ્હી: ગત સપ્ટેમ્બર મહિનામાં ક્રૂડ અને રિફાઈન્ડ પામતેલની શિપમેન્ટમાં ઘટાડો થવાથી કુલ ખાદ્યતેલની આયાત સપ્ટેમ્બર, ૨૦૨૩ના ૧૪,૯૪,૦૮૬ ટન સામે ૨૯ ટકાના ઘટાડા સાથે ૧૦,૬૪,૪૯૯ ટનની સપાટીએ રહી હોવાનું તાજેતરમાં સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશને સંકલિત કરેલી વનસ્પતિ તેલની આયાત અંગની આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
એસોસિયેશનની ગત સપ્ટેમ્બર મહિનામાં અખાદ્યતેલની આયાત સપ્ટેમ્બર, ૨૦૨૩ના ૫૭,૯૪૦ ટન સામે ઘટીને ૨૨,૯૯૦ ટનના સ્તરે અને ખાદ્યતેલની આયાત સપ્ટેમ્બર, ૨૦૨૩ના ૧૫,૫૨,૦૨૬ ટન સામે ૩૦ ટકા ઘટીને ૧૦,૮૭,૪૮૯ ટનના સ્તરે રહી છે. એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં ખાદ્યતેલની આયાતમાં ક્રૂડ પામતેલની આયાત ઘટીને ૪,૩૨,૫૧૦ ટન (૭,૦૫,૬૪૩ ટન) અને રિફાઈન્ડ પામતેલની આયાત ઘટીને ૮૪,૨૭૯ ટન (૧,૨૮,૯૫૪ ટન)ની સપાટીએ રહી હતી. આ સિવાય ક્રૂડ સનફ્લાવર તેલની આયાત પણ ઘટીને ૧,૫૨,૮૦૩ (૩,૦૦,૭૩૨ ટન)ના સ્તરે રહી હતી.
એકંદરે સપ્ટેમ્બર મહિનાની આયાતમાં ઘટાડો મુખ્યત્વે ગત જુલાઈ તથા ઑગસ્ટ મહિનામાં આયાતના પ્રમાણમાં વધારો અને માગ નબળી રહેતાં બંદર પર માલના ભરાવાને આભારી તેમ જ ભાવની ચંચળતાને ધ્યાનમાં લેતા આયાતકારોએ અપનાવેલા સાવચેતીના અભિગમની આયાત પર અસર પડી હોવાનું એસોસિયેશને જણાવ્યું હતું.
વધુમાં આ સમયગાળામાં સોયાબીન અને સનફ્લાવર તેલના ભાવની સરખામણીમાં પામતેલના ભાવ ઊંચા રહ્યા હોવાથી પણ સ્થાનિક ખેલાડીઓએ આયાતમાં ઘટાડો કર્યો હોવાનું એસોસિયેશને યાદીમાં ઉમેર્યું હતું.
એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન તેલવર્ષ ૨૦૨૩-૨૪ (નવેમ્બર-ઑક્ટોબર)ના ગત સપ્ટેમ્બર સુધીના ૧૧ મહિનામાં દેશની કુલ વનસ્પતિ તેલની આયાત ગત મોસમના સમાનગાળાના ૧,૫૬,૭૩,૧૦૨ ટન સામે છ ટકા ઘટીને ૧,૪૭,૭૫,૦૦૦ ટનના સ્તરે રહી હતી. જેમાં ખાદ્યતેલની આયાત ગત મોસમના સમાનગાળાના ૧,૫૪,૬૮,૯૧૨ ટન સામે ઘટીને ૧,૪૫,૩૫,૯૫૫ ટનના સ્તરે અને અખાદ્યતેલની આયાત ગત સાલના સમાનગાળાના ૨,૦૪,૧૯૦ ટન સામે વધીને ૨,૩૯,૦૪૫ ટનની સપાટીએ રહી છે. સામાન્યપણે દેશમાં પામતેલની આયાત ઈન્ડોનેશિયા અને મલયેશિયાથી થઈ રહી છે, જ્યારે સોયાબીન તેલની આયાત બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી થાય છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે દેશની કુલ ખાદ્યતેલની માગ પૈકી ૫૦ ટકા માગ આયાતથી સંતોષાય છે. આગામી ટૂંક સમયમાં વર્તમાન ખરીફ તેલીબિયાંની લણણી પૂર્વે સરકારે આયાતી તેલની ડ્યૂટીમાં વધારો
કર્યો છે.