અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી નહીં ઝડપાય તો રીબડામાં આંદોલનની ચીમકી

રાજકોટઃ અમિત ખૂંટ આપઘાત બાદ તેને ન્યાય મળે તે માટે અનીડા ગામે સંમેલન યોજાયું હતું. જેમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં આરોપીઓને પકડવામાં નહીં આવે તો વિરોધ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત રીબડા ખાતે મહાસંમેલન યોજવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
શું છે મામલો
ગોંડલ તાલુકામાં રીબડાના અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવી કાવતરાના ભાગરૂપે તેના વિરૂદ્ધ દૂષ્કર્મ અને પોકસો હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી. જેને કારણે અમિત ખૂંટે રીબડામાં આવેલી પોતાની વાડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આપણ વાંચો: Breaking: અમિત ખૂંટ કેસમાં કૉંગ્રેસી નેતા સહિત ત્રણની અટકાયત
આ કેસમાં તેને ફસાવનારી સગીર વયની મોડેલ અને તેની બહેનપણીની પૂછપરછમાં જૂનાગઢના રહીમ મકરાણીનું નામ ખુલ્યું હતું. આત્મહત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા અને પૌત્ર રાજદીપસિંહ જાડેજા સહિત 4 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદિપસિંહ જાડેજા સહિત ત્રણ શખ્સો હજુ ફરાર છે.
વકીલને પણ મળ્યા જામીન
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાતર બંનેના જામીન મંજૂર કર્યા હતા. પોલીસે ગત 7 મેના રોજ બંને એડવોકેટની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ બંને એડવોકેટોએ કેસમાં પોતાની ખોટી સંડોવણી કરાઈ હોવાનો દાવો કર્યો હતો. સેશન્સ કોર્ટે બંને વકીલોના જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે દરેક આરોપી માટે 50 હજાર રૂપિયાની જામીન રકમ નક્કી કરી છે.