રાજકોટમાં ખાડાને લઈ આમ આદમી પાર્ટીએ થાળી વગાડી, રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ અનેક શહેરોના રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે. ઘણા શહેરોમાં રોડ પર ખાડા પડી ગયા હતા. રાજકોટ શહેરમાં ઠેર-ઠેર પડેલા ખાડાને લઈ આમ આદમી પાર્ટી (આપ)એ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આપના કાર્યકરોએ થાળીઓ વગાડી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ તકે આમ આદમી પાર્ટીનાં શહેર પ્રમુખ દિનેશ જોશી દ્વારા રાજકોટનાં રસ્તાની હાલત અંગે કટાક્ષ વ્યક્ત કરતા જણાવાયું હતું કે, શહેરમાં નદીનાં દર્શન કરવા બદલ આભાર.
આપણ વાંચો: શરદ પવારે મહારાષ્ટ્ર સરકારને શિક્ષકોના વિરોધ પ્રદર્શનનો ઉકેલ લાવવા માટે તાત્કાલિક પગલાં લેવા કહ્યું
જોકે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસને ભાજપનો ખેસ પહેરવાનું કહી પોતાનો ખેસ પહેરાવવા પ્રયાસ તેમણે કર્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.
આપના નેતાએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, અમારી રજૂઆત મેયરની સારી કામગીરીને અનુલક્ષીને છે. રાજકોટમાં મેયરે નદીના દર્શન કરાવ્યા છે. અમે એને બિરદાવવા માટે આવ્યા છીએ.
આપણ વાંચો: પ્રયાગરાજમાં ચંદ્રશેખરનું હાઉસ એરેસ્ટ, સમર્થકોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન, 15 લોકો ઘાયલ
એક પણ ખાબોચિયું, એક પણ ખાડો જો ભાજપના રાજમાં હોય તો અમને બતાવો. કોઈ લોકોના વાહન નથી તૂટતા, કોઈના હાડકા નથી તૂટતા. રાજકોટની પ્રજાએ મેયરને ખોબલે ખોબલે મત આપ્યા છે.
આપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું હતું કે પેરિસમાં પણ રાજકોટના રોડના અને ગુજરાતના રોડના વખાણ થાય છે. ત્યાંની પાર્લામેન્ટમાં વખાણ થાય છે કે રાજકોટને ગુજરાત જેવા અમારા રોડ હોવા જોઈએ. ભાજપનો આત્મા જાગે એને માટે અમારો કાર્યક્રમ છે. ભાજપનો મરી ગયેલો આત્મા જાગવો જોઈએ.