રાજકોટના પાદરિયા ગામમાં તળાવમાં નાહલા પડેલા 3 બાળકોનું ડૂબી જતા મોત, પંથકમાં શોકનો માહોલ

રાજકોટઃ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં આવેલા તળાવો ભરાયેલા છે. આવી સ્થિતિમાં બાળકો ઘણી વખત વહેલા સવારે નાહવા માટે જતા તળાવમાં પડતા હોય છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણાના પાદરિયા ગામમાં આવેલા તળાવમાં નાહવા માટે પડેલા 3 બાળકોનું ડૂબી જતા મોત થયું છે. ત્રણેય બાળકોના મૃતદેહોને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યાં હતાં. ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મૃતદેહો પોસ્ટ મોર્ટમ માટે જામકંડોરણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
આ ત્રણેય બાળકો ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારમાંથી આવતા હતા. વહેલી સવારે આ ત્રણેય બાળકો ગામના તળાવમાં નાહવા માટે પડ્યાં હતાં. આ દરમિયાન અચાનક તે બાળકો ડૂબવા લાગ્યાં હતાં. સમગ્ર બાબતની જાણ થતા સ્થાનિક તરવૈયાઓએ બાળકોના મૃતદેહને બહાર કાઢ્યાં હતાં. ઘણું મોડું થઈ ગયું હોવાથી કોઈનો પણ જીવ બચી શક્યો નહોતો. અત્યારે ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામકંડોરણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આપણ વાંચો: ગુજરાતના ₹ 2,050 કરોડના સૌથી મોટા સાયબર ફ્રોડમાં EDની એન્ટ્રી: મોટા ખુલાસાની શક્યતા
ત્રણ બાળકોમાંથી બે તો સગા ભાઈઓ હતા
મળતી વિગતો પ્રમાણે 6 વર્ષીય ભાવેશ ડાંગી, 8 વર્ષીય હિતેશ ડાંગી અને 7 વર્ષીય નિતેશ માવીનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે. આ ત્રણેય બાળકોમાંથી ભાવેશ ડાંગી અને હિતેશ ડાંગી સગા ભાઈઓ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. ખેતમજૂર પરિવારનાં બાળકોનાં મોત થતાં પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાની જાણ થતા મામલતદાર અને પોલીસ સહિત ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી હતી.