રાજકોટમાં એરપોર્ટ પર નોકરીના અપાવવાના નામે 200 વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી, જાણો શું છે આખો મામલો

રાજકોટ: ગુજરાતમાં રૂપિયા ઠગાઈ કરનારા લોકો અવાર નવાર નવા કિમિયા અપનાવી લોકોને છેતરતાં હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં માત્ર એક બે નહીં 200 લોકોની એક સાથે ઠગાઈ કર્યા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના કેકેવી ચોક નજીક આવેલી ફ્રેન્કફીન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓને ઓરપોર્ટ ગ્રાઉન્ટ અને ક્રૂમાં નોકરી અપાવાની લાલચે લાખો રૂપિયાની ઠગાઈ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એરપોર્ટ પર નોકરીના બહાને 200થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી, નોકરીની ખોટી લાલચ આપવામાં આવી. આ ઘટનાએ વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાવ્યો છે, અને તેઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ફ્રેન્કફીન ઈન્સ્ટિટ્યૂટના સંચાલક શિવરાજ ઝાલાએ એવી જાહેરાત કરી હતી કે, 12 વિદ્યાર્થીઓને એરપોર્ટ ગ્રાઉન્ડ અને ક્રૂમાં નોકરી મળી જશે. તેમણે દાવો કર્યો હતો કે 11 મહિનાના અભ્યાસક્રમ બાદ એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ અથવા કેબિન ક્રૂ તરીકે નોકરી મળશે. આ લાલચમાં આવીને 200થી વધુ વિદ્યાર્થીઓએ રૂ. 1 લાખથી 1.5 લાખ સુધીની ફી ચૂકવી. જોકે, કોર્સ પૂરો થયા બાદ એરપોર્ટની નોકરી બદલે હોટેલમાં વેઇટરની નોકરી ઓફર કરવામાં આવી, જેનાથી વિદ્યાર્થીઓ નિરાશ થયા.
વિદ્યાર્થીઓએ શિવરાજ ઝાલા સાથે વાત કરતાં તેણે એરપોર્ટ નોકરી માટે ગ્રેજ્યુએશન જરૂરી હોવાનું બહાનું રજૂ કર્યું. આમ, સંચાલકે પોતાની વાત ફેરવી વિદ્યાર્થીઓનો વિશ્વાસ તોડ્યો. સોમવારે લગભગ 50 વિદ્યાર્થીઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર આપી, ગુનો નોંધવાની માંગ કરી.
આ કેસની ઊંડી તપાસ થાય તો છેતરાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધી શકે છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આવી ઠગાઇ આગળ ન થાય તે માટે કડક કાર્યવાહી જરૂરી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો…નાગપુરની શૈક્ષણિક સંસ્થામાં ઉચ્ચ હોદ્દા પર નોકરીને બહાને 1.28 કરોડની ઠગાઇ