રાજકોટમાં હનુમાન મઢી ચોક પાસે ડમ્પરની અડફેટે આવતા 20 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત

રાજકોટઃ રાજકોટ શહેરમાં ફરી એકવાર બેફામ ડમ્પરે એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાજકોટ શહેરમાં આવેલા હનુમાન મઢી ચોક ખાતે આજે સવારે કોલેજ જતી વખતે ડમ્પર ચાલકે બે યુવતીઓને અડફેટે લીધી હતી. અકસ્માતમાં કણસાગરા કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય જુહી નળિયાપરા નામની વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ શહેરમાં હવે ડમ્પરો કાળ બની રહ્યાં છે. ડ્રાઈવરો બેફામ રીતે ડમ્પરો ચલાવતા હોવાના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત અકસ્માતોની ઘટનાઓ પણ બની છે.
રાજકોટ બેકાબૂ ડમ્પરે નિર્દોશ વિદ્યાર્થિનીનો લીધો જીવ
આ ઘટનાની વાત કરવામાં આવે તો, હનુમાન મઢી ચોક પાસેથી જુહી નળિયાપરા પોતાની મિત્ર સાથે એક્ટિવા પર કોલેજ જઈ રહી હતી. આ દરમિયાન બેકાબૂ ડમ્પરે તેની એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી ઘટના સ્થળ પર જ તેનું મોત થઈ ગયું હતું. જુહીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અહીં દીકરીના પિતાએ આક્રોશ આરએમસી પર આક્ષેપો કર્યાં હતાં. કહ્યું કે, આ શહેરમાં RMCના કોન્ટ્રાક્ટરોના ડમ્પરો દિનપ્રતિદિન જીવલેણ બની રહ્યા છે. આવા બેફામ ડમ્પરોને શહેરમાં દિવસ દરમિયાન પ્રવેશ આપવામાં ન આવે અને તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે’.
જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા સ્થાનિકોએ કરી માંગ
રાજકોટ શહેરમાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કેમ કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી? લોકોએ માંગ ઉઠાવી છે કે, ડમ્પર નિયમિત સમયપત્રક પ્રમાણે રાત્રિ સમયે જ પ્રવેશવા દેવામાં આવે અને દિવસ દરમિયાન તેમને પૂરું નિયંત્રણ કરવામાં આવે! પરંતુ તંત્ર દ્વારા આ મામલે કોઈ ખાસ કાર્યવાહી કરવામાં આવતી નથી. આવું પહેલી વખત નથી બન્યું, આ પહેલા પણ ડમ્પર ચાલકોના કારણે લોકોના જીવ ગયાં છે. જેથી અત્યારે તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવી તેવી માંગણી કરવામાં આવી છે.
આપણ વાંચો: શ્રાવણ માસ માટે AMTS શરૂ કરશે ધાર્મિક પ્રવાસ બસ યોજના, જાણો સ્થળ, સમય અને ભાડું