રાજકોટ એસટી વિભાગને ફળ્યું રક્ષાબંધનનું પર્વ : બે દિવસમાં 1.60 કરોડની આવક
રાજકોટ: રાજકોટ એસટી વિભાગને રક્ષાબંધનનું પર્વ ફળ્યું છે. રક્ષાબંધન પર્વને લઈને રાજકોટ એસટી વિભાગ દ્વારા બે દિવસ અગાઉ જ અંદાજે 50 થી વધુ એકસ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કરી દીધું હતું. તહેવારોની સિઝનમાં બસપોર્ટમાં પણ માણસોની ભીડ ઉભરાઇ પડી હતી.રાજકોટથી જામનગર, કચ્છ, ભાવનગર, જુનાગઢ, અમરેલી, અમદાવાદ સહિતના તમામ રૂટોની બસ ફૂલ થઈ ચૂકી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટ ‘ધરોહર’ લોકમેળાની તૈયારી પૂરજોશમાંઃ કલેકટર માટે પડકારરૂપ બનશે?
રાજકોટ બસપોર્ટ સહિત ડિવિઝનના ડેપો અને બસ સ્ટેશનોમાં પણ મુસાફરોની આવન જાવન મોટા પાયે નોંધાઈ હતી. ગુજરાત એસટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રક્ષાબંધનના તહેવારના બે જ દિવસમાં રાજકોટથી અંદાજે અઢી લાખ જેટલા મુસાફરોએ મુસાફરી કરી હતી. જેના સંચાલન થકી એસટી વિભાગને બે દિવસમાં જ 1.60 કરોડ જેટલી આવક થઈ છે.
આ પણ વાંચો: રક્ષાબંધનના પર્વે રાજકોટ જેલ ખાતે સર્જાયા ભાવુક દ્રશ્યો : સાગઠિયાની ચિઠ્ઠીએ સર્જ્યો વિવાદ
રાજકોટ વિભાગ દ્વારા કરવામાં આવેલા બસોના એકસ્ટ્રા સંચાલનનો બે દિવસમાં દસેક હજાર જેટલા મુસાફરોએ લાભ લીધો હતો. એસટી વિભાગના સૂત્રોનાં જણાવ્યા મુજબ ગત તા. 17ના રોજ 1813 મુસાફરોએ એકસ્ટ્રા સંચાલનનો લાભ લીધો હતો અને આ વધારાનાં સંચાલનથી એસ.ટી. વિભાગને 1.44 લાખ રૂપિયાની એકસ્ટ્રા આવક થઈ હતી જયારે ગઈકાલે 2428 મુસાફરોએ એકસ્ટ્રા બસોનો લાભ લીધો હતો.અને આ સંચાલન થકી તંત્રને 2.27 લાખ લેવાની વધારાની આવક થઈ હતી.