રક્ષાબંધનના પર્વે રાજકોટ જેલ ખાતે સર્જાયા ભાવુક દ્રશ્યો : સાગઠિયાની ચિઠ્ઠીએ સર્જ્યો વિવાદ
રાજકોટ: આજે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંધ કેદીઓને તેમની બહેનોને રાખડી બાંધવામાં આવી હતી. આ સમયે રાજકોટના ટીઆરપી ગેમઝોનના આરોપીઓને બહેનોએ રાખડી બાંધી હતી. ભાઈને રાખડી બાંધવા બહેનો વહેલી સવારથી જ પહોંચી ગઈ હતી. વર્ષોથી જેલમાં બંધ કેદીઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો જેલ પર પહોંચી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે TRP ગેમઝોનના આરોપી મનસુખ સાગઠીયાના કારણે રક્ષાબંધનનો કાર્યક્રમ પણ ચર્ચામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને તેમની 3 બહેન રાખડી બાંધવા આવી હતી. સાગઠીયાને રાખડી બાંધવા આવેલી બહેને સાગઠીયાના હાથમાં એક ચીઠ્ઠી આપી અને આ દ્રશ્ય ત્યાં હાજર વ્યકિતઓની નજરમાં પડયા હતા.
જો કે ફરજ પર હાજર સિપાહીની નજર પણ આ ચીઠ્ઠી પર પડતા તેણે તરત જ ચીઠ્ઠી સાગઠીયાના હાથમાંથી પરત કરાવી દીધી હતી. આ અંગે તપાસ કરતા જેલના સત્તાવાર સુત્રોએ તે ચિઠ્ઠી નહીં, પરંતુ કાગળનું ટોકન હોવાનું જણાવ્યું હતું. જોકે, સાગઠિયાએ આપેલી કાગળની કાપલીએ રહસ્ય સર્જ્યુ છે.
સેન્ટ્રલ જેલ ખાતે TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં જેલમાં બંધ આરોપીઓને તેના બહેનો બાંધવા આવ્યા હતા. આ દરમિયાન મનસુખ સાગઠિયા બેરેકમાંથી બહાર તો આવ્યા પરંતુ શરૂઆતથી જ તેઓ મીડિયાથી મોઢું છુપાવી રહ્યાં હતા અને હાસ્ય લહેરાવી રહ્યાં હતાં. અગ્નિકાંડના મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકીની બહેન તેને રાખડી બાંધવા આવી ત્યારે તેમની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.