
(અમારા પ્રતિનિધિ તરફથી)
પોરબંદર: દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યમાં ભાષાને નામે જબરી અરાજકતા ફેલાઈ છે ત્યારે ‘મુંબઈ સમાચારે’ પ. પૂ. ભાગવત કથાકારના આશીર્વાદ સાથે સૌ પ્રથમ ‘ભાષા-ભાગવત’ની અનોખી પહેલ કરી છે.
ભાષા વિવાદ નહીં પણ સંવાદનું માધ્યમ છે અને એ સમાજમાં એકમેકને જોડવાનું કામ કરે છે. આવી પરિસ્થિતિમાં જ્યારે સૌને સ્વીકૃત એવું વિચાર અને શબ્દનું માધ્યમ હોય તો એ છે ભાગવત. આ જ ભાગવતની કથા ભાષા-ભાગવતના રૂપમાં લોકો સમક્ષ રજૂ થાય તો કેવું? આ વિચાર ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેએ પ્રખર અને પ. પૂ. ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા સમક્ષ માંડ્યો અને તેમને ભાષા-ભાગવતનાં વિચારને આશીર્વાદ આપવાની વિનંતી કરી.

ભાઈશ્રીએ નીલેશ દવેના વિચારને તરત જ સ્વીકાર્યો હતો અને તેમણે પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને આગામી ચારથી પાંચ મહિનામાં એટલે કે વર્ષ 2026ના માર્ચ-એપ્રિલમાં ભાષા-ભાગવતનું આયોજન કરવાને પોતાના આશીર્વાદ આપ્યા હતા.
ભાઈશ્રીના નેતૃત્વ હેઠળ ‘મુંબઈ સમાચાર’ના યજ્ઞમાં રોજે-રોજે ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દૂ ભાષાઓના આગેવાનો, સાહિત્યકારો અને રાજકારણીઓ ભાગ લેશે. તેમ જ દેશની ભાષા એક જ છે એ ‘મુંબઈ સમાચાર’ દ્વારા વહેતા મુકાયેલા વિચારને આગળ ધપાવશે. તમે પણ આ અદ્ભુત યજ્ઞમાં જોડાઈ શકો છો અને તેના માટે તમારે ‘મુંબઈ સમાચાર’ જોતા રહેવું પડશે જેમાં આ સંબંધી જાહેરાત ટૂંકમાં જ કરાશે.

પોરબંદરમાં સાંદીપની આશ્રમમાં ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેએ અખબાર દ્વારા તાજેતરમાં તેના 204મા સ્થાપના દિને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિમોચિત કરાયેલા ‘51 ગુજરાતી’ પુસ્તકની ભાઈશ્રીને ભેટ આપી હતી. આ પુસ્તકમાં એક પ્રકરણ ભાઈશ્રીને પણ સમર્પિત છે.
પુસ્તકના વિચાર તેમ જ ‘મુંબઈ સમાચાર’ દ્વારા ડૉક્ટરોનું ધન્વન્તરી પારિતોષિક સાથે સન્માન કરવાના પગલાંને ભાઈશ્રીએ વધાવી લીધું હતું તથા ‘મુંબઈ સમાચાર’ના માલિક એવા કામા પરિવાર દ્વારા ગુજરાતી ભાષા અને સંસ્કૃતિમાં આપેલા પ્રદાનને પણ ભાઈશ્રીએ બિરદાવી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતીઓ પાણી જેવા છે. ન પાણી વિના શરબત થાય કે ન તેના વિના રસોઈ થાય. તેઓ જ્યાં રહે ત્યાં પાણીની જેમ ભળી જાય છે. ગુજરાતી પાણી જેવો પણ છે અને પાણીદાર પણ છે, એમ કહીને તેમણે જય જય ગરવી ગુજરાત અને જય મહારાષ્ટ્ર કહી મહારાષ્ટ્રમાંના ગુજરાતીઓને યાદ કર્યા હતા.