પોરબંદરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 79મો સ્વાતંત્ર્ય પર્વ, CM કરાવશે ધ્વજવંદન | મુંબઈ સમાચાર

પોરબંદરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 79મો સ્વાતંત્ર્ય પર્વ, CM કરાવશે ધ્વજવંદન

પોરબંદરઃ આજે 15મી ઓગસ્ટ, 2025ના રોજ 79મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી પોરબંદર ખાતે થવાની છે. પોરબંદર એટલે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ. પોરબંદરમાં આવેલી માધવાણી કોલેજના ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. રાજ્યકક્ષાના આ ભવ્ય મહોત્સવમાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પોરબંદર ખાતે રાજ્યકક્ષી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા સહિત અનેક નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે.

જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમો 9:00 કલાકે શરૂ થશે

આજે સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમો સવારે 9:00 કલાકે એકસાથે શરૂ કરવામાં આવશે. આજનો દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ ગૌરવની ક્ષણ છે. પોરબંદરમાં યોજાનાર કાર્યક્રમમાં ‘બાપુના પગલે ત્રિરંગા ભારત’ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન વિશ્વ વિખ્યાત મણિયારો રાસ, ટિપ્પણી રાસ, તાંડવ નર્તન અને ઉત્સાહી ગરબા જેવા વિવિધ નૃત્યો પણ કરવામાં આવશે. એટલે જ નહીં પરંતુ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા ગોલ્ડન ગાંધી સહિતની કલાકારોની ટીમ પણ હાજર રહેશે અને આ કાર્યક્રમમાં પોતાનું પરફોર્મન્સ આપશે. જેથી પોરબંદર આજે સંપૂર્ણ રીતે દેશભક્તિમાં મગ્ન થઈ જવાનું છે.

આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે તેમનું 12મું ભાષણ આપશે

દિલ્લીના લાલ કિલ્લાની પ્રાચીર પરથી સ્વતંત્રતા દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે તેમનું 12મું ભાષણ આપવાના છે. ભારતની વાત કરવામાં આવે તો, નવી દિલ્લી સહિત ભારતભરમાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. આ સ્વતંત્રતા દિવસ એ માત્ર એક રાષ્ટ્રીય તહેવાર નથી, દેશને આઝાદ કરવા માટે જે લાખો લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે તેને યાદ કરવાની ક્ષણ પણ છે. એ લોકોના કારણે આજે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ. ભારત આજે 15 ઓગસ્ટ 2025ના રોજ પોતાનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button