
લેખક : ભાટી એન. (તસવીરની આરપાર)
મોરબીને પેરિસ જેવું બિરુદ યથાયોગ્ય મળેલ છે. આ સિટી એક્સ્ટ્રાઓર્ડિનરી છે. અહીં ટાવર, મહેલ, ઘોડા, પાડા, ઝૂલતો પૂલ જે તૂટી ગયો અને ખાસ તો મણિ મંદિર (વાઘ મહેલ), જેને મહારાજા વાઘજી ઠાકોરની ગુજરાતનું બેનમૂન તીર્થધામ બનાવાની ખ્વાહિશ હતી. જે મણિબાની યાદ કાયમી રહે અને આખા ભારતનાં તીર્થધામની ઝાંખી થાય. આથી ભવ્યાતિભવ્ય ક્લાત્મક ‘મણિમંદિર’ બનાવ્યું. તેમાં ભવ્ય મંદિર શિખર, ગુંબજવાળુ ઐતિહાસિક મંદિર પાસે થોડાં વર્ષો અગાઉ દરગાહ બનાવી પછી તેનો વિકાસ થયો. બાદમાં જાણવા મળ્યું કે આ તો બિનકાયદેસર દરગાહ છે, તેમાં દબાણ કરેલ છે.
આ બાબતની નામદાર કોર્ટમાં કેસ કરતા સરકાર કેસ જીતી ગઈ. આથી સરકારે તાબડતોબ ગણતરીના કલાકોમાં બિનકાયદેસર દરગાહ પાડીને પાધર કરી નાખી. આથી મોરબીના મુસ્લિમ લોકોમાં રોષ ફેલાયેલો પણ અંતે મણિમંદિર ચોખ્ખું થઈ ગયું, આ સાથે આપને થોડો મોરબીનો પરિચય આપીશ.
જૂના વખતનું મોરબી નાની મૂઠી જેવું હતું. ટેકરાઓ સામે વસેલું મોરબી ‘ગઢ ઢેલડી’ કહેવાતું. આજે જ્યાં ભીમસોરનો ભાગ છે. તેટલામાં જ જૂનું મોરબી સમાયેલ હતું. 400 વર્ષ પહેલાં મચ્છુ નદીના આ બાજુના કાંઠે હાલના મોરબીની બાંધણી શરૂ થઈ. સો-સવાસો વરસ પહેલાં કુબેરનાથના દર્શને જવા માટે બે-પાંચ જણ ભેગા મળીને અને લાકડી કે હથિયાર લઈને જ જઈ શકતા! કેમ કે હિંસક પ્રાણીઓ વિચરતા એવું ચોતરફ જંગલ હતું.
ગ્રીનચોકનો દરવાજો દાળિયાવાળી ભાગોળ કહેવા’તો. મોરબીના મહારાજા સર વાઘજી ઠાકોરે મોરબીની કાયાપલટ કરી નાખી તે જમાનામાં રૂપિયો ગાડાંના પૈડાં જેવડો હતો. તે જમાનામાં પબ્લિક વર્કર્સ પાછળ રૂપિયા એક કરોડનો ખર્ચ તેમણે કરેલો. મિ. વાઈટ, મિ. ટોમ અને મિ. ચારલિયા જેવા અંગ્રેજોને નોકરીએ રાખવાની હિંમત તેમણે કરી અને બહુ ટૂંકા સમયમાં એક પછી એક મોટાં બાંધકામ કર્યાં. રેલવે-એરોપ્લેન-સ્ટીમ પ્રેસ-ટેલિફોન જેવી નવીન શોધોનો ઉપયોગ અને આગમન સર્વ પ્રથમ મોરબીમાં થયા. આખા કાઠિયાવાડમાં સહુ પહેલી મોટર અહીં આવી અને તે વખતે ઠાકોર વાઘજી પાસે ફોર્ડ, વીલી અને વીલીસ એવી ત્રણ મોટરો હતી.
મોરબીના દીર્ઘદૃષ્ટા રાજવી વાઘજી ઠાકોરની કળા અને સ્થાપત્યનો તેમનો શોખની કોઠાસૂઝ અનોખા હતા. આજે જેના માટે આપણે ગૌરવ લઈએ છીએ તે દરબારગઢ 1800 ફૂટની લાંબી એકસરખી બાંધણીની બજાર જે રોમની બજારનો ખ્યાલ આપે છે! 120 ફૂટ ઊંચો ગ્રીનચોકનો ટાવર (મૂળનામ વૃડ-હાઉસ ટાવર), 800 ફૂટનો મચ્છુ નદી પરનો પુલ અને તે પરના ઘોડા અને આખલાંનાં (પાડા પુલ) અને મચ્છુ નદી ઉપર ઝૂલતો પુલ, વાઘ મહેલ જેવું ભવ્ય મહાલય, મોરબીના પ્રતીક સમાન નગર દરવાજો.
મોરબીનું રેલવે સ્ટેશન. એલ.ઈ. કોલેજ, મહેલ તથા ગેરેજ આજુબાજુનાં મકાનો અષ્ટકોણ અને સ્લોપીંગ છાપરાં તે ઉપર ઊંચે ચડતા તીણા બુરજ એ ઇંગ્લેન્ડની ક્ધટ્રી સાઇટમાં આપણે ફરતા હોઈએ તેવો ખ્યાલ આપે છે. આ બધાં બાંધકામને 100 વર્ષ ઉપર થયાં છે. છતાં આજે એવાને એવા મજબૂત અડીખમ ઊભા છે.
મોરબીના જગપ્રસિદ્ધ મહાલયો અને સ્થાપત્ય પર જ્યાં દૃષ્ટિગોચર કરીએ તો વાઘ મહેલ ભારતની કોઈપણ ભવ્ય ઈમારતની સરખામણીમાં બરોબર ઊતરે તેવી આલીશાન ઇમારત પાછળ તાજમહેલ જેવો ઈતિહાસ ઢબૂરાઈને પડ્યો છે! પોતાના પ્રિય પાત્ર મણિબાની યાદ કાયમ રાખવા મરહૂમ મહારાજા વાઘજી ઠાકોરે સને 1961માં બાંધકામ શરૂ કરાવેલ ને આ વાઘ મહેલ ‘મણિમંદિર’ 30 લાખના ખર્ચે પૂર્ણ થયું હતું.
આ એક જ મકાનમાં બધા જ ધર્મના દેવમંદિરોનો સમાવેશ કરવો તેવો ઇરાદો હતો. આ ઇમારત તાજમહલની ભવ્યતા, પુરીના મંદિરોની ઉતુંગતા, કાશી બનારસના મંદિરોની સૂચિતા જેમાં ભરી પડી છે. 2001ના ભૂકંપમાં તેને ભારે નુકસાન થયું હતું. સરકારે હાથ મિલાવી ફરી મણિમંદિરને ભવ્ય બનાવ્યું ને રોશનીથી ઝગમગી ઉઠ્યું.
આપણ વાંચો: ઈચ્છા કરતાં ઈચ્છા પૂરી કરવાની યાત્રા વધુ સુખદ હોય છે



