મોરબીમાં KFCની ફ્રેન્ચાઇઝી આપવાને બહાને રૂ. 38.32 લાખની છતરપિંડી
મૂળ આંધ્ર પ્રદેશના વતની મહિલાએ સાયબરક્રાઈમમાં નોંધાવી ફરિયાદ
મોરબીઃ અમેરિકાની પ્રખ્યાત ચિકન ફૂડકંપની KFCની મોરબી ખાતે ફ્રેન્ચાઇઝી આપવાના નામે મૂળ આંધ્ર પ્રદેશ અને હાલમાં મોરબી રહેતા મહિલા સાથે મોબાઈલ નંબર ધારકે વાતચીત કરી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 38,32,299 મેળવી લઈ બાદમાં ફ્રેન્ચાઇઝી નહિ આપતા બનાવ અંગે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે રહેતા મૂળ આંધ્ર પ્રદેશના રાજલક્ષ્મીબેન બાલાજીરાવ પ્રિંજલાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં સંબંધિત મોબાઈલ નંબર ધરાવતા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે રાજલક્ષ્મીબેનને અમેરિકાની જાણીતી કેએફસી ચિકન કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લોભામણી લાલચ આપીને છેતરપિંડી આચરી હતી.
આપણ વાંચો: સાયબર ક્રાઈમના એક સાથે 200 ગુના ડિટેક્ટ કરનારું સુરત બન્યું દેશનું પ્રથમ શહેર…
આરોપી (મોબાઈલ નંબરના ધારકે ગત તા. 18-07-2024થી 3-10-24ના સમયગાળામાં)એ યુનિયનબેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ મહારાષ્ટ્રના અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા 38 લાખ 32 હજાર 299ની રકમ મેળવી લઇ આજદિન સુધી કેએફસી કંપનીની ફ્રેન્ચાઇઝી નહીં આપીને મોટી છેતરપિંડી કરી હતી.
આ બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે મોબાઈલ નંબર તેમ જ બેન્ક એકાઉન્ટ નંબરના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.