ભાજપના વિધાનસભ્ય ઉવાચઃ પાટીદાર દીકરા-દીકરીને રાત્રે 10 પછી મોબાઈલ ના આપો, મોબાઈલ લઈને બેસે તો સમજો કાળાં કામ કરે છે….

મોરબી: ખેલૈયાઓ જેની આતુરતાથી રાહ જોતા હોય છે એ નવરાત્રીનુ પર્વ આ વર્ષે 22 સપ્ટેમ્બરના રોજથી શરુ થવા જઈ રહ્યું છે. હાલ ગરાબા-દાંડિયા ક્લાસીસ શરુ થઇ ગયા છે, જેમાં ખેલૈયાઓ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે. પરંતુ સૌરાષ્ટ્રના મોરબી શહેરમાં ગરબા ક્લાસીસ અંગે અલગ જ રાજકારણ શરુ થયું છે. મોરબીના પાટીદાર સમાજે શહેરમાં ચાલતા ગરબા ક્લાસીસ સામે વાંધો રજુ કરી કલાસીસ બંધ કરાવવા ઝુંબેશ ઉપાડી (outrage against Garba classis in Morbi) છે, ગઈ કાલે રાત્રે યોજાયેલી એક જાહેર સભામાં સમાજના આગેવાનો અને રાજકીય નેતાઓ હાજર રહ્યા હતાં, આ દરમિયાન કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યા હતાં.
ગઈ કાલે રવિવારે રાત્રે મોરબીમાં પાટીદાર સમાજની જન ક્રાંતિ સભા યોજાઈ હતી જેમાં પાટીદાર આગેવાન મનોજ પનારા અને ટી. ડી.પટેલ, ઉપરાંત મોરબી-માળિયાના વિધાનસભ્ય કાંતિલાલઅમૃતિયા (Kantilal amrutiya0 અને અન્ય રાજકીય આગેવાનો હાજર રહ્યા હતાં. આ સભામાં મોરબીના પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
ધમકી આપનારને વિધાનસભ્યનું પીઠબળ?
આ સભા દરમિયાન વિધાન કાંતિલાલ અમૃતિયાએ વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતાં. સભાને સંબોધતા કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું, “આપણા સમાજના આગેવાનોને લુખ્ખા કહેવા વાળાને જઈને મારી આવજો હું બેઠો છું, કોઈના બાપની તાકાત નથી. કંઈ પણ તકલીફ થાય તો મને કહેજો અને જો મારો વાંક હોય તો મારો ઝભ્ભો ફાડી નાંખજો.”
કેમ થઇ રહ્યો છે કલાસીસનો વિરોધ?
પાટીદાર સમાજના આગેવાનોનું માનવું છે કે ગરબા ક્લાસીસમાં યુવાનો અને યુવતીઓ સાથે ગરબા રમતા હોવાથી સમાજમાં દુષણ ફેલાઈ રહ્યું છે. સમાજના કેટલાક આગેવાનો ગરબા કલાસીસ બંધ કરવવા પહોંચ્યા હતાં. પરંતુ આ ઘણા લોકોની રોજગારીનો પ્રશ્ન હોવાથી ક્લાસીસના સંચાલકોએ પોલીસ સમક્ષ સુરક્ષાની માંગણી કરી હતી. ગઈ કાલે યોજાયેલી સભામાં સમાજના આગેવાનો કાયદો હાથમાં લઇને મારપીટ અને તોડફોડ કરવાની ખુલ્લેઆમ ધમકીઓ આપી હતી, આવી ધમકીઓ આપનારાને ખુદ ચૂંટાયેલા વિધાનસભ્યએ સમર્થન આપતા વિવાદ ઉભો થયો છે.
મોબાઈલ વાપરવાથી યુવાનો બગડી રહ્યા છે?
કાંતિલાલ અમૃતિયાએ તેમના નિવેદનમાં એમ પણ કહ્યું કે ગ્રેજ્યુએટ થયેલી આપણી દીકરી કે દીકરાઓને રાત્રે 10 વાગ્યા પછી મોબાઈલ ન આપવો જોઈએ અને જો તેઓ રાત્રે 10 વાગ્યા પછી મોબાઇલ ફોન વાપરે તેનો એ મતલબ છે કે તેઓ કાળા કામ જ કરે છે.
વિધાનસભ્યનું આ નિવેદન પણ વિવાદનું કારણ બન્યું છે, કારણ કે ભારતનું બંધારણ દેશના પુખ્ત વયના દરેક નાગરિકને પસંદગીનો મૂળભૂત અધિકાર આપે છે, ત્યારે સમાજના આગેવાનોના ‘મોરલ પોલીસીંગ’ સામે સવાલો થઈ રહ્યા છે.
આગેવાને મારપીટની ખુલ્લેઆમ ધમકી આપી:
સભામાં પાટીદાર આગેવાન મનોજ પનારાએ ગરબા કલાસીસના સંચાલકોને ધમકી આપતા કહ્યું કે જો અમારી દીકરીઓ પર કોઇ આંખ ઊંચી કરી છે, તો માથામાં ધારીયું મારવાની અમારી તૈયારી છે. યુવાનો સમાજના સૈનિકો છે, તેઓ ગમે ત્યાં પહોંચી જવા અને તોડફોડ કરવા અને મારપીટ કરવા તૈયાર છે, ભલે કેસ થાય જેલમાં જવું પડે અમે આરોપી બનવા તૈયાર છીએ.