મોરબીના શક્તિ ચોકમાં અનોખા ગરબા: 50 ફૂટની વિશાળ ચણિયાચોળીમાં એક બાળા રાસ રમી

મોરબી: સમગ્ર દેશમાં નવરાત્રિની ઉજવણી થઈ રહીં છે. ગરબા એ મા આદ્યશક્તિની ભક્તિ કરવાનું માધ્યમ છે. ગુજરાતમાં જુદાજુદા વિસ્તારોમાં અનોખી રીતે ગરબા રમવામાં આવે છે. ત્યારે મોરબીના શક્તિ ચોકમાં ચાલતી ગરબીએ તેની પરંપરા અને અનોખા રાસથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ વર્ષે, એક જ બાળા દ્વારા વિશાળ ચણિયાચોળી પહેરીને રાસ રમીને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તેવો પ્રયાસ કર્યો છે.
43 વર્ષ જૂની પરંપરાનું આકર્ષણ
મોરબીના શક્તિ ચોકમાં 1982થી, એટલે કે છેલ્લા 43 વર્ષથી, અહીં પ્રાચીન ગરબીનું આયોજન થાય છે. મીડિયા સાથે વાત કરતા આયોજક કૃપાલસિંહ ઝાલાએ જણાવ્યું કે, “આ વર્ષે 78 દીકરીઓ દ્વારા કુલ 48 નવા રાસ રજૂ કરવામાં આવી રહ્યા છે. આમાં અંગારા રાસ, અઘોર રાસ, મા મોગલ આવે જેવા પ્રાચીન ગરબા પણ સામેલ છે.”
આ પણ વાંચો: પરંપરાના રખેવાળઃ જૂનાગઢની વણઝારી ચોકની ‘પરંપરાગત’ ગરબી: બાળાઓ રમે છે સળગતી ઇંઢોણીનો રાસ!
શક્તિ ચોકમાં આ વર્ષે એક દીકરી દ્વારા 50 ફૂટ બાય 50 ફૂટના વિશાળ ચણિયાચોળી પહેરીને ‘મા તારો ઘુમ્મર રાસ’ રજૂ કરવામાં આવી રહ્યો છે, જે જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. આ અનોખા રાસને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવા માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે.
દોઢ મહિના પહેલા શરૂ કરી પ્રેક્ટિસ
50 ફૂટના ચણિયાચોળી પહેરીને ગરબે રમવું ખૂબ જ મુશ્કેલ છે. આ રાસ રજૂ કરનાર બાળાઓએ મીડિયાને જણાવ્યું કે, “આ માટે તેમણે નવરાત્રી શરૂ થવાના દોઢ મહિના પહેલાથી જ કઠોર પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેમના આ સમર્પણને કારણે જ તેઓ આ અનોખો અને કલાત્મક રાસ સફળતાપૂર્વક રજૂ કરી શક્યા છે.”
આ પણ વાંચો: ‘મુંબઈ સમાચાર’ની 144 વર્ષ જૂની ઐતિહાસિક ધરોહર: સમાજ સુધારણા માટે ગરબાનો ‘અનોખો’ ઉપયોગ
ઉલ્લેખનીય છે કે, આ ગરબીમાં ‘મા મોગલ રમવા આવે’, ‘વાગે વાગે રે ઢોલ વાગે’, ‘બોલ મારી અંબે’ જેવા ગરબા પણ રજૂ થાય છે, જે જોવા માટે ગરબી શરૂ થતા જ ભક્તો અને દર્શકોની ભારે ભીડ જામે છે.