મોરબીમાં બે લાખના 22 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરોએ ખેતીની જમીનનું સોદાખત કરાવ્યું
સિરામિકના ધંધા માટે જરૂરિયાત પડતા 11 મહિના પહેલા 2 લાખ 10 ટકા વ્યાજે લીધા અને..
મોરબીઃ મૂળ મોરબીના માણેકવાડા ગામના વતની અને હાલમાં મોરબીના આલાપ રોડ ઉપર રહેતા પાટીદાર યુવાનને સીરામીકના ધંધા માટે નાણાકીય જરૂરત પડતા તેના મિત્ર મારફતે રાજકોટના વ્યાજખોર પાસેથી 2 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા.
જે બાદ મિત્ર સહિતના ત્રણ આરોપીઓએ કાંડ કરી નાખી પાટીદાર યુવાન પાસેથી 2 લાખના 22 લાખ પડાવી લઈ ખેતીની જમીનનું બળજબરીથી સોદાખત કરાવી લેતા વ્યાજખોરીના આ બનાવમાં ત્રણેય આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના આલાપ રોડ ઉપર રહેતા મૂળ માણેકવાડા ગામના વતની રવિરાજ જગદીશભાઈ દેત્રોજા ઉ.22 નામના યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસમથકમાં વ્યાજખોરી મામલે આરોપી ભાવેશ હરિભાઈ દેવાયતકા, રહે.
આપણ વાંચો: મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી: વ્યાજખોરે ઘરે આવી પત્નીને ઝીંક્યા ફડાકા
નાની વાવડી મોરબી, જયદીપ બાબુભાઇ બસિયા રહે. રાજકોટ અને આરોપી રાજેશ લાખાભાઈ સોઢિયા રહે. કુંતાસી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે પોતાને સિરામિકના ધંધા માટે નાણાકીય જરૂરત પડતા નાની વાવડી ગામે રહેતા રવિરાજના મિત્ર એવા આરોપી ભાવેશ દેવાયતકાને વાત કરતા ભાવેશે રાજકોટ રહેતા આરોપી જયદીપ બસિયાનો સંપર્ક કરાવ્યો હતો અને આરોપી જયદીપે બીજી જાન્યુઆરીના રવિરાજને 2 લાખ રોકડા 10 ટકા વ્યાજે આપી બે કોરા ચેક લઈ અમે જેમ કહીએ તેમ તારે કરવું પડશે કહ્યું હતું.
બાદમાં આરોપી ભાવેશ અને જયદીપને ફરિયાદી રવિરાજે કટકે કટકે બે લાખના 13 લાખ ચૂકવી દેવા છતાં પણ આરોપીઓએ બળજબરીથી ઉઘરાણી ચાલુ રાખી રવિરાજને મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીએ લઈ જઈ પરાણે માણેકવાડા ગામે આવેલ વડીલો પારજીત ખેતીની જમીનનું સોદાખત ભરાવી લીધું હતું અને વ્યાજની ખોટી પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી.
રવિરાજના પિતા પાસેથી 9 લાખ બળજબરીથી કઢાવી લઈ 2 લાખના 22 લાખ પડાવી લઈ હજુ પણ રૂપિયા આપવા પડશે કહી ચેક રિટર્ન કરવાની ધમકી આપી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.