જૂનાગઢના ટોપ બુટલેગર ધીરેન કારીયા વિરુદ્ધ GCTOC હેઠળ કડક કાર્યવાહી, 50 લાખની રોકડ જપ્ત
જૂનાગઢ પોલીસે આરકે આંગડિયા પેઢીમાં દરોડા પાડીને રૂપિયા 50 લાખની રોકડ જપ્તી કરી દારૂ હેરાફેરીનો પર્દાફાશ કર્યો

જૂનાગઢ: જૂનાગઢ પોલીસ (Junagadh Police) દ્વારા ગુજરાતના ટોપ-25 બુટલેગરમાં સામેલ એવા ધીરેન કારીયા (Dhiren Kariya) વિરુદ્ધ ગુજસીટોક (Gujarat Control of Terrorism and Organised Crime Act) હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ પોલીસે હિંમતનગર (Himmatnagar)ના ટાવર રોડ પર આવેલી આરકે આંગડિયા પેઢી (RK Angadia Firm)માં દરોડો પાડ્યો છે. આ દરોડામાં દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા 50 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
જૂનાગઢના ટોપ-25 લિસ્ટેડ બુટલેગરમાં સામેલ ધીરેન ઉર્ફે ડીકે શેઠ અમૃતલાલ કારીયા (DK Seth Amritlal Kariya) સામે તપાસ ચાલી રહી છે. તે હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો. આ માટે તેણે ખોટા દસ્તાવેજો સાથે સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકી બનાવી હતી.
જૂનાગઢ પોલીસે હિંમતનગરની આરકે આંગડિયા પેઢીમાં દરોડા પાડ્યા
પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે, હિંમતનગરની આરકે આંગડિયા પેઢીના સંચાલક દ્વારા ધીરેન કારીયાના નાણાકીય વ્યવહારોની નોંધ કેશબુક એપ્લિકેશનમાં રાખવામાં આવતી હતી. 1 એપ્રિલથી 25 એપ્રિલ 2025 સુધીમાં કુલ 92,10,150 રૂપિયાના નાણાકીય વ્યવહારો નોંધાયા છે. ધીરેનના પુત્ર પરમ કારીયાએ એપ્રિલ માસમાં 9 વખત નાણાકીય વ્યવહારો કર્યા હતા. આંગડિયા પેઢીના સીસીટીવી ફૂટેજમાં તે રકમની ઉપાડ અને જમા કરાવવા આવતો જોવા મળ્યો હતો.
8 આરોપીઓ વિરુદ્ધ GCTOC એક્ટ હેઠળ ગુનો નોંધાયો
જૂનાગઢ પોલીસે ધીરેન કારીયા સહિત 8 આરોપીઓ વિરુદ્ધ GCTOC એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ઇન્દ્રધનુષ્ય કોમ્પ્લેક્સમાં આવેલી આંગડિયા પેઢીમાં નાયબ પોલીસ અધીક્ષક હિતેશ ધાંધલ્યા અને LCBની ટીમે તપાસ કરી હતી. આ અંગે જૂનાગઢ DYSP હિતેશ ધાંધલ્યાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, ધીરેન કારિયા જે દારૂની મોટા પાયે હેરાફેરી કરે છે. મહત્વની વાત એ છે કે, અત્યારે તે ફરાર છે. પોલીસે તેની સામે ગુજ્સીટોક મુજબ ગુનો નોધીને કાર્યવાહી હાથ ધરી છે.
50 લાખ રૂપિયાની રોકડ સાથે એક મોબાઈલ પણ કબ્જે કરાયો
આ સમગ્ર કેસમાં પોલીસ દ્વારા કરવામાં આવે તપાસમાં દારૂની હેરાફેરીના રોકડ રૂપિયા RK આંગડિયા પેઢીમાં હોવાનું જાણવા મળ્યું હતું. આવી માહિતી મળતા પોલીસે પેઢીનીમાં દરોડા પાડ્યા અને 50 લાખ રૂપિયાની રોકડ સાથે એક મોબાઈલ પણ કબ્જે કર્યો છે. બીજી તરફ RK આંગડિયા પેઢીના પંકજ પટેલ અને ગૌતમ પટેલને જૂનાગઢ હાજર રહેવા નોટિસ પણ આપવામાં આવી છે. પોલીસ દ્વારા જ્યારે મોબાઈલની તપાસ કરવામાં આવશે ત્યારે વધારે વિગતો પ્રકાશમાં આવી શકે છે, સાથે સાથે આ કેસમાં બીજા કેટલા લોકો સામેલ છે તેની પણ વિગતો જાણવા મળી શકે છે.
આ પણ વાંચો….બુટલેગર સાથે નાચવા મામલે ચૈતર વસાવાએ કરી ચોખવટ; બદનામ કરવાનો પેંતરો…