ગિરનારના જંગલમાંથી ચંદનચોર ઝડપાયો: 60 કિલો લાકડાં મળ્યાં, 4 ફરાર | મુંબઈ સમાચાર
જૂનાગઢ

ગિરનારના જંગલમાંથી ચંદનચોર ઝડપાયો: 60 કિલો લાકડાં મળ્યાં, 4 ફરાર

જૂનાગઢઃ ગિરનારના જંગલમાં ચંદનના અસંખ્ય વૃક્ષો આવેલા છે. અહીંથી ફરી એક વખત ચંદનચોર ઝડપાયો હતો. એક યુવક પાસેથી 60 કિલો ચંદનના લાકડા મળી આવ્યા હતા. જ્યારે તેના ચાર સાથીઓ ફરાર થઈ ગયા હતા. પકડાયેલા શખ્સ રાજસ્થાનનો વતની હોવાનું સામે આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ખોડિયાર રાઉન્ડના દાતાર સિડ્ડી વિસ્તારમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ચોરીની બાતમીના આધારે સતત વોચ રાખવામાં આવી હતી. ચંદનના ઝાડ કાપવાના ઇરાદે આવેલા ઈસમોને વન વિભાગના સ્ટાફે જોયા અને તરત જ તેમનો પીછો શરૂ કર્યો હતો.

ભવનાથ પાંચ નાકા પાસેથી વન વિભાગે વિરમારામ મોતીરામ કલાવા (રહે. ઉદયપુર, રાજસ્થાન) નામના ઈસમને રંગેહાથ ઝડપી પાડ્યો, જોકે તેનો એક સાથીદાર ભાગી છૂટ્યો હતો.જંગલની તપાસમાં કુલ ચાર ચંદનનાં વૃક્ષો કપાયેલાં હોવાનું જણાયું હતું.

આપણ વાંચો: પેલી ‘પુષ્પા’વાળા અલ્લુ અર્જુનને ઝક્કાશ ઓફર!

પકડાયેલા આરોપીએ કબૂલ્યું કે તેઓ કુલ પાંચ ઈસમો હતા અને બાકીના ચાર ઈસમો ચંદનનો જથ્થો લઈને મજેવડી ખાતેથી ઉદયપુર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ મારફતે ફરાર થવાના હતા.વન વિભાગને જાણ થતાં જ બસ રવાના થઈ ચૂકી હતી, તેથી તાત્કાલિક બસના ડ્રાઇવર સાથે વાત કરીને જેતપુર આગળ બસને રોકાવવામાં આવી.

બસની તપાસ દરમિયાન 60 કિલોથી 70 કિલો જેટલો ચંદનના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો, પરંતુ લાકડાં લઈને મુસાફરી કરી રહેલા ચાર રાજસ્થાની આરોપીઓ વન વિભાગની ટીમને ચકમો આપીને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2025 માં દાતારના જંગલમાં ચંદનના વૃક્ષો કપાયા હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે વનકર્મીઓ આરોપીઓને પકડવા ગયા, ત્યારે ચંદન ચોર ટોળકીએ કુહાડી અને તીક્ષ્ણ હથિયારો વડે વનકર્મીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેઓ ફરાર થઈ ગયા હતા.

ચંદનની ચોરી રોકવા માટે વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને ચંદનચોર ગેંગના મૂળ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button