જૂનાગઢના પાદરિયા ગામમાં ખોડિયાર માતાના યજ્ઞ વખતે સિંહો આવીને કલાક શાંતિથી બેઠા, સ્થાનિકોએ ગણાવ્યો ‘ચમત્કાર’

જૂનાગઢ: નવરાત્રીના દિવસો માતાજીની ભક્તિભાવના હોય છે, જ્યાં કરોડો ભક્તો માતાજીની ભક્તિ અને આઠમના હોમહવન કરવાનું ચૂકતા નથી. ઉત્તર ગુજરાત હોય કે કાઠિયાવાડમાં માઈભક્તો હોશથી માતાજીની ભક્તિ કરે છે, પરંતુ તાજેતરમાં જૂનાગઢના પાદરિયા ગામમાં માતાજીના હવન વખતે એક નહીં ત્રણ સિંહ આવીને બેસી ગયા હતા. એ વખતે પંડિતોની સાથે ભક્તો પણ જરાય ડર્યા નહોતા
જૂનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પર્વતના જગંલમાં આવેલા પાદરિયા ગામના એક મંદિરમાં પૂજા ચાલી રહી હતી તે દરમિયાન ત્રણ સિંહ અચાનક ત્યા આવી પહોંચ્યા અને હવનકુંડ પાસે આવીને બેસી ગયા હતા. પાદરિયા ગામમાં ખોડિયાર માતાના વિજ્યાદશમીના દિવસે મંદિરમાં હવન ચાલી રહ્યો હતો. આ મંદિર પાદરિયા ગામમાં ભોલેનાથ ગૌશાળા પાસે આવેલું છે. સાધુ સંતો મંત્રોચ્ચાર સાથે હવન કરી રહ્યાં હતા ત્યારે સિંહ બાજુમાં આવીને બેસી ગયાં હતા. સ્થાનિકોએ આ ઘટનાને ચમત્કાર ગણાવી હતી.

યજ્ઞ ચાલુ રહ્યો અને સિંહ શાંતિથી બેસી રહ્યા
ત્રણેય સિંહો જાણે યજ્ઞમાં પોતાના હાજરી આપવા માટે આવ્યાં હોય તેમ બેસી રહ્યા અને જ્યા સુધી યજ્ઞ પૂર્ણ ના થયો ત્યાં સુધી ત્યાંજ બેસી રહ્યાં હતાં. સાધુ-સંતોએ પણ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના જ મંત્રો ચાલુ રાખ્યાં હતાં. સંતોએ યજ્ઞ ચાલુ રાખ્યો અને સિંહ પણ શાંત થઈને બેસી રહ્યાં જાણે અહીં સાધુ-સંતોના મંત્રો સાંભળવા માટે જંગલમાંથી આવ્યાં હતા. કોઈ પણ શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન નહોતો કર્યો જેના કારણે માહોલ ભક્તિમય બની ગયો હતો.
અહીંયા સિંહોની અવરજવરની વાત સામાન્ય
સામાન્ય રીતે કોઈ બીજી જગ્યાએ આમ સિંહ માત્ર દેખાઈ જાય તો પણ લોકો ડરીને ભાગી જતા હોય છે. પરંતુ ગીરની વાત અલગ છે. અહીંના લોકો સિંહને પોતાના ઘરનું સભ્ય માને છે અને એટલું જ સન્માન પણ આપે છે. આ ઘટના અંગે ફોરેસ્ટ અધિકારી ડૉ.અક્ષય જોશીએ જણાવ્યું કે, આ વિસ્તાર જંગલની પાસે આવેલો છે. જેથી આ વિસ્તારોમાં સિંહની અવર-જવર રહેવી સામાન્ય હોય છે. પરંતુ આ ઘટનાએ સૌને હેરાન કરી નાખ્યાં છે. કારણે આવું પહેલી વખત બન્યું છે કે, વન્ય જીવે માનવ સભ્યતામાં રૂપે યજ્ઞમાં હાજરી આપી હોય અને માહોલ પણ શાંતિમય રહ્યો હતો.
બે કલાક સુધી સિંહ હવનકૂંડ નજીક બેસી રહ્યા
સ્થાનિકોનું કહેવું છે કે આ ઘટના માતા ખોડિયારની શક્તિ અને આશીર્વાદનું પ્રતિક છે. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે આશરે બે કલાક સુધી સિંહ અહીં યજ્ઞમાં બેસી રહ્યાં હતા. જેવો યજ્ઞ પૂર્ણ થયો તેવા જ સિંહ ઊભા થઈને પાછા જંગલમાં જતા રહ્યાં હતાં. વિજ્યાદશમીના દિવસે યજ્ઞ કરી રહેલા સંતોએ કહ્યું કે ઘટના અદભૂત અને ભયાનક હતી. પરંતુ માતાજીની કૃપાથી સિંહ શાંત મને ત્યાં બેસી રહ્યાં અને યજ્ઞ પૂર્ણ કરીને જતા રહ્યાં હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.