જૂનાગઢમાં નિવૃત્ત આચાર્યે સરકારને 10 લાખનો ચૂનો લગાડ્યો, જાણો શું છે મામલો

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં એક નિવૃત્ત આચાર્ય અને તેમની પત્ની દ્વારા કરવામાં આવેલ નાણાકીય ગેરરીતિનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેકરીયા સ્થિત ગ્રામ્ય વિકાસ કેળવણી મંડળ સંચાલિત શાળાના પૂર્વ આચાર્ય મિતેશગીરી ઉર્ફે મૂળરાજગીરી સેવાગીરી ગોસ્વામી અને તેમની પત્ની ઇલાબેન ગોસ્વામીએ ખોટા દસ્તાવેજો બનાવી 10.75 લાખ રૂપિયાની સરકારી સાથે છેતરપિંડી આચરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
ડબલ પેન્શન મેળવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ
આ દંપતીએ પતિના જન્મતારીખમાં ફેરફાર કરી એક વર્ષ વધુ નોકરી કરી તેમજ ડબલ પેન્શન મેળવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. શિક્ષણ નિરીક્ષક મનીષાબેન હીંગરાજીયાએ આ ફરિયાદ કરી હતી. આ કેસમાં પોલીસે તપાસ શરૂ કરી ત્યારે સામે આવ્યું છે કે, આચાર્યએ પોતાની સાચી જન્મ તારીખ 19 જૂન 1964ના બદલે ખોટી તારીખ 19 જૂન 1965 દર્શાવી હતી. આ ખોટા રેકોર્ડના આધારે તેમને એક વર્ષ વધુ પગાર અને બાદમાં પેન્શનની મંજૂરી મળી હતી, જેના દ્વારા કુલ 10,75,487 રૂપિયાનો લાભ લીધો હતો.
બીજું પેન્શન મેળવવાનો માટે પણ પ્રયાસ કર્યો
પ્રથમ પેન્શન મંજૂર થયા બાદ પણ દંપતીએ ફરી એક નવી સર્વિસ બુક બનાવી ‘મૂળરાજગીરી સેવાગીરી ગોસ્વામી’ના નામે બીજું પેન્શન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ સેવાપોથીમાં જન્મ તારીખ 19 ડિસેમ્બર 1966 દર્શાવી હતી અને બનાવટી સહીઓ સાથે વિતરણ કચેરી સુધી દસ્તાવેજ મોકલ્યા હતા. મામલો ખુલતા પોલીસે બંને સામે ગુનાહિત કાવતરું, ખોટા દસ્તાવેજ બનાવવાના તેમજ સરકારને નુકસાન પહોંચાડવાના ગુનાઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિસાવદર પોલીસે બીએનએસની કલમ 316(5), 336(2), 336(3), 340(2) અને 61(2) હેઠળ ગુનો નોંધી, પી.આઈ. એસ.એન. સોનારાની અધ્યક્ષતામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આપણ વાંચો: જામનગરમાં 19 ગામના ખેડૂતોનું ડુંગળી ફેંકી વિરોધ પ્રદર્શન, સારા ભાવ માટે કરી માંગ