જૂનાગઢ

જૂનાગઢ: મહાશિવરાત્રી મેળાના નવા રવેડી રૂટનું જાત નિરીક્ષણ, જાણો શું હશે નવી સુવિધાઓ?

જૂનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં યોજાતો પારંપરિક મહાશિવરાત્રીનો મેળો વધુ ભવ્યતા અને દિવ્યતા પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે, ત્યારે આજે આ મેળાની વિશેષ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટરે ગિરનાર દરવાજાથી ચાલીને ભવનાથ મંદિર સુધી અને રવેડીના રૂટનું ચાલીને જાત નિરીક્ષણ કર્યું હતું. કલેકટરની સાથે જિલ્લા વિકાસ અધિકારી, મેળા અધિકારી અને પ્રાંત અધિકારી અને મેળાની વિવિધ કમિટીના અધ્યક્ષોએ ચાલીને રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને રસ્તામાં જ્યાં જ્યાં ભાવિકોની સગવડતા ની વિશેષ આવશ્યકતા હતી સબંધિત અધિકારીને કામગીરી માટે સૂચના આપી હતી.

આ રૂટ નિરીક્ષણ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સાથે રાખીને કરવામાં આવ્યું હતું, મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને કેન્દ્રમાં રાખીને તેમને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરે સ્થળ પરથી જ જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. જિલ્લા કલેકટરે ખાસ મહાશિવરાત્રીના મેળામાં પધારતા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણી, આરોગ્ય, શૌચાલય પાર્કિંગ, પરિવહન સેવા સહિતના મુદ્દે રૂટ નિરીક્ષણ દરમિયાન સ્થળ પરથી જ જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત મહાશિવરાત્રીનો મેળાની જે ભવ્યતા વધવાની છે તેના સંદર્ભમાં સુશોભન લાઇટિંગ વગેરે માટે પણ જિલ્લા કલેકટરે જરૂરી નિર્દેશ આપ્યા હતા.

ગિરનાર દરવાજા થી ભવનાથ મંદિર સુધી સમગ્ર મેળાનો વિસ્તાર રહેશે. 3.5 કીમી રોડ પર ગિરનાર દરવાજાથી જ ભવનાથ મંદિર સુધી ભાવિકોને લીંબુપાણી છાસ સહિતની સગવડતા મળી રહે તે માટે સંસ્થાઓ સાથે સંકલન કરાશે. રૂટ ઉપર પણ મેળાની ગરિમા મુજબ સુશોભન કરાશે. મહાશિવરાત્રી મેળાના પ્રથમ દિવસે સાંજે સાધુ સંતોની ભવનાથ પ્રવેશ દ્વારથી ભવનાથ મંદિર સુધીની યોજાનાર ડમરૂ યાત્રા, મહાઆરતી અને ધર્મસભા ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમને આખરી ઓપ આપવાના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

વહીવટી તંત્ર દ્વારા ગિરનાર દરવાજાથી રૂટ નિરીક્ષણ શરૂ થયું હતું. જે દરમિયાન દામોદર કુંડ, રામટેકરી સર્કલ, રવેડીનો જે વધારવામાં આવ્યો છે તે નવો રૂટ, મૃગીકુંડ સહિતની જગ્યાના નિરીક્ષણ દરમિયાન ભાવિકોને અગવડતા ન પડે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો અને સંલગ્ન અધિકારીઓને જરૂરી ફેરફારો કરવા માટે પણ નિર્દેશ આપ્યા હતા.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button