જૂનાગઢ

જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવના બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની ભાજપના કોર્પોરેટરે જ પોલ ખોલી

જૂનાગઢઃ શહેરમાં નરસિંહ મહેતા તળાવના બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો હતો. વોર્ડ નંબર 7ના ભાજપના કોર્પોરેટર અને મહાનગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોઘરાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

તેમણે તળાવની મુલાકાત લીધી હતી અને દીવાલ પર લગાવેલી ટાઈલ્સ પર હાથ લગાવ્યો હતો. ટાઈલ્સ ઉખડીને હાથમાં આવી ગયો હતો. તેમનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

તેમણે કહ્યું કે, નિયમ પ્રમાણે ટાઈલ્સ લગાવવા માટે ખાસ કેમિકલ અને બાંધકામ સામગ્રીનો ઉપયોગ થવો જોઈએ. પરંતુ અહીં તેનું પાલન થયું નથી.હજારો નહીં પણ કરોડો રૂપિયાની ફાળવણી બાદ પણ કામ નબળી ગુણવત્તાનું થઈ રહ્યું છે. દીવાલના પ્લાસ્ટર પર ટાઇલ્સ બેસાડવામાં સહેજ પણ તકેદારી રાખવામાં આવી નથી. ફક્ત દેખાવ માટે કામ કરવામાં આવ્યું છે.

આપણ વાંચો: એસીબીનો ભ્રષ્ટાચારીઓ પર સપાટો: નવસારીમાં પોલીસ, વડોદરા ખાણ ખનીજ વિભાગ અને ચાંગોદરમાં વચેટિયો લાંચ લેતા ઝડપાયા…

પીએમઓને કરશે ફરિયાદ

જયેશ બોઘરાએ જણાવ્યું કે, તેઓ વડા પ્રધાન કાર્યાલય, મુખ્ય પ્રધાન કાર્યાલય સહિત સ્થાનિક સ્તરે આ મામલે રજૂઆત કરશે અને જવાબદાર અધિકારીઓ સામે ત્વરિત પગલાંની માગ કરશે. મને બાંધકામ સમિતિની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે નબળી ગુણવત્તાના કામને કોઈ પણ રીતે મંજૂરી નહીં મળે.

તળાવના બ્યુટીફિકેશન માટે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. આમ છતા સ્થાનિક પ્રોજેક્ટ્સમાં આવી બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો અનેક સવાલ ઊભા કરી રહ્યા છે.

શહેરના ધારાસભ્યએ પણ એક દિવસ પહેલાં જનતાને નબળા કામ અંગે અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી, પણ હવે કોંગ્રેસ કે અન્ય પક્ષોનો અવાજ આવે તે પહેલાં જ ભાજપના ખુદ ચેરમેન દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવતા રાજકીય વિવાદ ઊભો થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button