જૂનાગઢ

સૌરાષ્ટ્રના આ દિગ્ગજ ધારાસભ્યના નામે બની ફેક આઈડી, તપાસમાં પાકિસ્તાન કનેક્શન સામે…

જૂનાગઢઃ ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાની ઈમેજને નુકસાન પહોંચાડવાના બદઇરાદે કોઈ અજાણ્યા ઈસમોએ તેમનું ફેક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી દીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ધારાસભ્ય સંજય કોરડીયાના સેક્રેટરી હર્ષ લાલજીભાઈ ગોઠીએ જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસને બે અજાણ્યા નંબર ધ્યાને આવ્યાં હતાં. એસઓજીની તપાસમાં ફેસબુક આઇડીની પ્રોફાઇલની વિગતો મેટા પાસેથી મંગાવવામાં આવી હતી. મેટાએ આપેલી વિગતોમાં આ ફેસબુક આઇડી પાકિસ્તાનમાંથી બની હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

ધારાસભ્ય સંજય કોરડીયાના નામે ફેક આઇડી બનતા પોલીસ ફરિયાદ

સેક્રેટરી હર્ષ લાલજીભાઈ ગોઠીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, 7 જુલાઈએ ધારાસભ્ય સંજય કોરડીયા તેમના મત વિસ્તાર ઝાંઝરડા રોડ ઉપર હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ ધારાસભ્યના ફોટો સાથે સંજય કોરડીયા નામનું ફેક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યું હતું. આ ફેક આઇડીનો ઉપયોગ કરીને ધારાસભ્યના ફોટો અને નામનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસરૂપે ખોટા મેસેજ મોકલવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ માલે પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.

પોલીસ તપાસમાં બે શંકાસ્પદ મોબાઇલ નંબર મળી આવ્યાં

આ સમગ્ર મામલે જૂનાગઢ બી-ડિવિઝન પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં આ બંને ફેક આઈડી પાકિસ્તાનમાંથી બન્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેમાં બે શંકાસ્પદ મોબાઇલ નંબર પણ મળ્યા છે. પાકિસ્તાન કનેક્શન અને બે શંકાસ્પદ નંબરો મળ્યા બાદ જૂનાગઢ પોલીસ દ્વારા તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એટલું જ નહીં પરંતુ આ માહિતીના આધારે સેક્રેટરી હર્ષ લાલજીભાઈ ગોઠીએ બંને અજાણ્યા મોબાઈલ નંબરના ધારકો સામે ફરિયાદ નોંધાવી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button