જૂનાગઢના મેંદરડામાં 80,000 રુપિયાની લાંચ લેતા ટીડીઓ ઝડપાયો

જૂનાગઢઃ ગુજરાતમાં કોઈ પણ સરકારી કર્મચારી લાંચ લેવાનો પ્રયત્ન કરે તે તેના પર એસીબી દ્વારા મોટા કાર્યવાહી કરવામાં આવે છે. એસીબીને જાણ કરી એટલે જે તે અધિકારી કે કર્મચારીનું છટકું ગોઠવાઈ જાય છે. ફરી એક સરકારી બાબુ લાંચ લેતા રંગે હાથે ઝડપાયાં છે. મેંદરડા તાલુકા વિકાસ અધિકારીને એસીબીએ 80,000 ની લાંચ લેતા રંગે હાથે હાથે ઝડપાયા છે. મેંદરડા તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયાની આ લાંચ કેસમાં એસીબી દ્વારા ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
મેંદરડા તાલુકા પંચાયત કચેરીએ એસીબીએ છટકું ગોઠવ્યું
વધારે વિગતે વાત કરવામાં આવે તો, મેંદરડા તાલુકાના એક ગામે ATVT (આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો) ના કામો અંગે તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયાએ રૂપિયા (લાંચ)ની માંગણી કરી હતી. તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયા દ્વારા આ કામ માટે રૂપિયા 1,65,000ની માંગણી કરવામાં આવી હતી. જેમાંથી અડધા રૂપિયા પહેલા આપવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, ફરિયાદી લાંચ આપવા ના માંગતા હોવાના કારણે તેણે એસીબીને જાણ કરી હતી.
TDO 80 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
એસીબીને લાંચની ફરિયાદ મળતાની સાથે જ તાલુકા વિકાસ અધિકારી પર લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા પંચાયત કચેરીએ આ છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી તાલુકા વિકાસ અધિકારી તુષાર વિઠ્ઠલભાઈ રાદડીયા ફરિયાદી પાસેથી રૂપિયા 80 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયાં હતાં. હવે એસીબીએ ટીડીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.



