જૂનાગઢ સાયબર ફ્રોડ: 40 લાખના કૌભાંડમાં ગૌશાળાના સંચાલક કલ્યાણગીરી બાપુની ધરપકડ…

જૂનાગઢ: સાયબર ફ્રોડ પર રાજ્ય સરકાર તથા ગુજરાત પોલીસની સાયબર ક્રાઈમ શાખા સતત વોચ રાખી રહી છે. તાજેતરમાં મોટા સાયબર ફ્રોડ સામે છેડાયેલી જંગમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં જૂનાગઢમાં 8 શખસની ધરપકડ કરવામાં આવી હતી. એક સાધુનું નામ પણ સામે આવ્યું છે.
સાયબર ફ્રોડમાં પકડાયેલ ગઠિયો કોણ?
સાયબર ફ્રોડના મામલામાં સાયબર ક્રાઈમ શાખાએ કેરાળા ગામની ગૌશાળાના સંચાલક કલ્યાણગીરી બાપુની ધરપકડ કરી છે. 40 લાખથી વધુ રૂપિયાની તસ્કરીમાં તેમનું નામ સામે આવ્યું છે. સાયબર ક્રાઈમ એજન્સીઓના જણાવ્યાનુસાર કલ્યાણગીરી બાપુ યુવાનોને પોતાની વાતોમાં ફોસલાવીને તેમના નામે બેંક એકાઉન્ટ શરૂ કરાવતા હતા. જેનો ઉપયોગ તેઓ છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરવા માટે કરતા હતા. જેના વળતરરૂપે યુવાનોને કમિશન પણ આપવામાં આવતું હતું.
ગૌસેવા ટ્રસ્ટના ખાતાનો કર્યો ઉપયોગ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કલ્યાણગીરી બાપુએ સાયબર ફ્રોડની રકમ હોવાની જાણ હોવા છતાં પોતાના અને ‘ગૌસેવા ટ્રસ્ટ’ના કુલ ત્રણ બેંક ખાતાઓને ‘મ્યુલ એકાઉન્ટ’ (ભાડે આપેલા ખાતા) તરીકે વાપરવા આપ્યા હતા. આ ખાતાઓમાં કુલ 40,76,380 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકના લોકો સાથે થયેલી ઇન્ટરનેટ બેંકિંગ અને ટ્રેડિંગ ફ્રોડની રકમ પણ આ ખાતાઓમાં જમા થઈ હતી.
જૂનાગઢ પોલીસે જણાવ્યું કે, કલ્યાણગીરી બાપુનું નેટવર્ક દેશના જુદા જુદા રાજ્યોમાં ફેલાયેલું છે. ઉત્તર પ્રદેશના આગ્રાના રાજેન્દ્ર પ્રસાદ જૈન સાથે થયેલા ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડના રૂ. 5 લાખ અને બીજા તબક્કામાં રૂ. 7.88 લાખ બાપુના ખાતામાં ટ્રાન્સફર થયા હતા.
ઉલ્લેખનીય છે કે,જૂનાગઢ SOG દ્વારા ગત 12 ડિસેમ્બરના અભય પરસાણિયાની ધરપકડ બાદ કલ્યાણગીરી બાપુનું નામ ખુલ્યું હતું. તાલુકા પોલીસે કલ્યાણગીરી બાપુ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ-317(2), 317(4) અને IT એક્ટની કલમ-66(ડી) હેઠળ સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



