જૂનાગઢની સરકારી કન્યા છાત્રાલયમાં દીકરીઓના જીવન અને સ્વાસ્થ્ય સાથે ચેડાં, વિદ્યાર્થિનીઓએ મચાવ્યો હોબાળો

જૂનાગઢઃ જૂનાગઢમાં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલય વિવાદમાં સપડાઈ છે. આ સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી આશરે 230 જેટલી દીકરીઓના જીવન અને સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. ભોજનમાં ઈયળો-જીવાત નીકળવી, બેડશીટ વગરના ગાદલા, ખંડેર હાલતના શૌચાલયો અને ટપકતી છત જેવી અનેક સમસ્યાઓથી કંટાળીને વિદ્યાર્થિનીઓએ છાત્રાલયમાં હોબાળો મચાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વોર્ડન વિદ્યાર્થિનીઓને એડમિશન રદ્દ કરવાની ધમકી આપી
આ સરકારી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓ હોબાળો મચાવ્યો હોવાની મીડિયાને જાણ થતા મીડિયા કર્મીઓ ત્યાં પહોંચ્યાં હતાં. આ મામલે વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે, તેમના જમવામાંથી જીવાતો નીકળે છે. જ્યારે આ બાબતે વોર્ડનને ફરિયાદ કરીએ ત્યારે તે પણ ઉડાઉ જવાબ આપે છે. એટલું જ નહીં પરંતુ વોર્ડન વિદ્યાર્થિનીઓને એડમિશન રદ્દ કરી દેવાની ધમકીઓ પણ આપતા હોવાનો આક્ષેપ કરાયો હતો. વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે, જ્યારે ડૉ. પ્રદ્યુમન વાઝા છાત્રાલયમાં તપાસ માટે આવ્યા ત્યારે તમામ નિયમોનું પાલન કરવામાં આવે પરંતુ પછી કોઈ નિયમો પાળવામાં આવતા નથી.
આ પણ વાંચો : ગુજરાતમાં સરકારી છાત્રાલય પ્રવેશ: 16,000થી વધુ વિદ્યાર્થીની યાદી જાહેર
શા માટે વિદ્યાર્થિનીઓ સાથે વ્યવહાર કરવામાં આવે છે?
જ્યારે આ મામલે મીડિયા કર્મીઓ વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે વોર્ડને પોલીસ બોલાવીને મીડિયા કર્મીને બહાર ભગાડી દેવા કહ્યું હતું. આખરે વિદ્યાર્થિનીઓ સાથે કેમ આવો વ્યવહાર કરવામાં આવે છે? સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓ માટે રૂપિયા ફાળવવામાં આવે તો પછી શા માટે તેમને સારૂ ભોજન આપવામાં નથી આવતું? વિદ્યાર્થિનીઓ હવે સહન કરવાનું બંધ કરીને વિરોધ કર્યો હતો. હવે અધિકારીઓ દ્વારા આ મામલે ત્વરીત કાર્યવાહી કરવામાં આવી તેવી માંગણીઓ કરવામાં આવી હતી.



