ગીરનારની લીલી પરિક્રમાની તૈયારીઓ માટે જૂનાગઢ કલેક્ટરે યોજી બેઠક, આ બાબતે આપી સૂચનાઓ

જૂનાગઢઃ ગીરનારના જંગલમાં દર વર્ષે પવિત્ર લીલી પરિક્રમા યોજાય છે. આમાં લાખોની સંખ્યામાં લોકો આવતાં હોય છે. લીલી પરિક્રમાને લઈને જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ ખાસ બેઠક યોજાઈ છે. કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્રના તમામ વિભાગો, ભવનાથ ક્ષેત્રના સાધુ-સંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિતિમાં આ બેઠક બોલાવી હતી. ગીરનારના જંગલમાં આગામી 2 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન ચાર દિવસીય લીલી પરિક્રમા યોજાશે. જેને લઈને કલેક્ટર દ્વારા કેટલાક સૂચના આપવામાં આવ્યાં છે.
ભવનાથ ક્ષેત્રના સાધુ-સંતોની ઉપસ્થિતિમાં યોજાઈ બેઠક
વિગતે વાત કરવામાં આવે તો, જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાએ લીલી પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખવા માટે સૂચનો આપ્યાં છે. કલેક્ટરે વન વિભાગને તાત્કાલિક અસરથી ગીરનાર રૂટ પરના રસ્તાઓનું સમારકામ કરવા માટે આદેશ આપ્યો છે. આ સાથે પરિક્રમાર્થીઓની સુરક્ષા માટે જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા યોગ્ય બંદોબસ્તની વ્યવસ્થા અંગે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
લીલી પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આરોગ્ય વિભાગને પૂરતા પ્રમાણમાં ડૉકટરો, દવાઓનો જથ્થો અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ સાથે પૂરતા પાણીના પોઇન્ટ્સ ઊભા કરવા અને આકસ્મિક ઘટનાઓનો સામનો કરવા માટે ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી છે.

જૂનાગઢ શહેરના રસ્તાઓનું સમારકામ કરવા માટે સૂચના
જૂનાગઢ મહાનગરપાલિકાને જૂનાગઢ શહેરના રસ્તાઓનું સમારકામ કરવા માટે સૂચના આપી દીધી છે, પરિક્રમા પહેલા દરેક રસ્તાનું સમારકામ કરી દેવા માટે કહેવામાં આવ્યું છે. લીલી પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ માટે જૂનાગઢ એસટી વિભાગ 30 જેટલી વધારાની મીની બસો દોડાવશે તેવું પણ જાણવા મળ્યું છે. આ સાથે પરિક્રમા 2 નવેમ્બરથી શરૂ થતી હોવાના કારણે ભક્તો પહેલાથી આવીને ભીડ ના કરે તે માટે પણ ભવનાથના સંત ઇન્દ્રભારતી બાપુએ અપીલ કરી હતી.
લીલી પરિક્રમામાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો
ગીરનાર ક્ષેત્રમાં ઇકોઝોન લાગુ હોવાથી પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. જેથી પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓએ પોતાના સાથે કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક ન લાવવા માટે વિનંતી પણ કરવામાં આવી છે. જંલગો આપણી રક્ષા કરે છો તો આપણી પણ ફરજ છે કે, આપણે તેનો સ્વચ્છ રાખીને તેની રક્ષા કરીએ. જંગલમાં પ્રાણીઓનો ભય રહેતો હોવાથી સુરક્ષાના ભાગ રૂપે ભાવિકોને જાહેર કરાયેલા રૂટ પર જ પરિક્રમા કરવા માટે અપીલ કરવામાં આવી છે.