એક દંતકથાનો અંત! ગીરના સિંહો જય અને વીરુનું મોત, વડાપ્રધાન મોદી પણ ચાહક હતાં...

એક દંતકથાનો અંત! ગીરના સિંહો જય અને વીરુનું મોત, વડાપ્રધાન મોદી પણ ચાહક હતાં…

જૂનાગઢ: ગીર નેશનલ પાર્કમાં રહેતા એશિયાટિક સિંહો ગુજરાતની શાન છે, આ સિંહો સાથે ઘણી રસપ્રદ વાર્તાઓ જોડાયેલી છે, એમાંથી એક છે જય અને વીરુ નામના બે સિંહોના મિત્રતાની વાર્તા. આ બંને સિંહો વર્ષોથી એક બીજાની સાથે જ જોવા મળતા, જેથી આ જોડીને બોલિવૂડ ફિલ્મ શોલેનાં પાત્રો જય અને વીરુના નામથી ઓળખવામાં આવતી.

વડાપ્રધાન મોદીએ પણ તેમની તાજેતરની ગીર મુલાકાત દરમિયાન આ જોડીની નોંધ લીધી હતી. પણ હવે જય અને વીરુની મિત્રતાનો કરુણ અંત આવ્યો છે, તાજેતરમાં બંને સિંહો મૃત્યુ પામ્યા છે, જેને કારણે વન્યજીવ પ્રેમીઓમાં દુઃખ ની લાગણી છે.

ગીરના જંગલોમાં જય અને વીરુ વર્ષો સાથે જ જોવા મળતા, પર્યટકો આ જોડીને જોવા આતુર રહેતા. આ જોડીને અવિભાજ્ય ગણવામાં આવતી હતી. પરંતુ કેટલાક મહિનાથી બંને એકબીજા સાથે દેખાયા ન હતા. જય અને વીરુ બંને જુદા જુદા વિસ્તારોમાં ચાલ્યા ગયા હતાં.

આ દરમિયાન થયેલી અલગ અલગ લડાઈઓમાં બંનેને ગંભીર ઈજા થઇ હતી, ત્યાર બાદ એક મહિનાના અંતરાલમાં બંનેએ જીવ છોડ્યો. અહેવાલ મુજબ વીરુનું 11 જૂનના રોજ મોત થયું, જ્યારે જયએ ગત મંગળવારે વિદાય લીધી.

ગીરમાં તૈનાત ગુજરાતના વન વિભાગમાં વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “બંને સિંહો એક જ સિંહના ટોળા(પ્રાઈડ)નું નેતૃત્વ કરતા હતા. અમે તેમને બચાવવા માટે અમારા બનતા બધા જ પ્રયાસો કર્યા, પરંતુ બંનેને બચાવી શક્યા નહીં.”

ગીરને એક વન્યજીવન સંરક્ષકે જણાવ્યું કે જય અને વીરુ નર બંને પુખ્ત વાયના હતાં અને જીવનના છેલ્લા તબક્કામાં હતાં, તેમના ટોળામાં 15 જેટલી સિંહણ રહેતી, તેમનું ટોળું જંગલ પર રાજ કરતું. તેમના ટોળાનો વિસ્તાર પ્રવાસી ક્ષેત્રો, બિન-પ્રવાસીઓના ક્ષેત્રો, ઘાસના મેદાનોથી જંગલો અને દરિયા કિનારાના વિસ્તારો સુધી ફેલાયેલો હતો. પરંતુ જ્યારે આ બંને એક બીજાથી અલગ અલગ થઇ ગયા, ત્યારે અન્ય સિંહો સાથેની લડાઈમાં ગંભીર ઇજાઓ થઈ હતી.

પરિમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું:
ગુજરાતથી સાંસદ અને ઉદ્યોગપતિ પરિમલ નથવાણીએ સિંહોની જોડીના નિધન અંગે દુઃખ વ્યકત કર્યું છે. X પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું, ‘ગીરની સુપ્રસિદ્ધ જય-વીરુ જોડીના જયના અવસાનથી ખૂબ જ દુઃખ થયું.

વન અધિકારીઓ અને પશુચિકિત્સકોએ તેમને બચાવવા માટે બનતું બધુજ કર્યું, તેમના અથાક પ્રયાસો છતાં, જય ઇજાઓને કારણે મૃત્યુ પામ્યો. દરેક વન્યજીવ પ્રેમી જંગલમાં તેમના દબદબા વિષે જાણે છે અથવા તેમની મિત્રતાની વાર્તાઓ સાંભળી છે.

આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ ગીરની તાજેતરની મુલાકાત દરમિયાન જય અને વીરુના રોયલ જીવનને જોયું હતું. તેમના વિના ગીર ક્યારેય પહેલા જેવું નહીં રહે. તેઓ જતા રહ્યા પણ, પરંતુ તેમની ગર્જના આ જંગલોમાં ગુંજતી રહેશે.”

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button