
જૂનાગઢઃ ગુજરાતમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદ થતા ગિરનાર પર્વતની સુંદરતા વધી ગઈ છે. અત્યારે પ્રકૃતિને નિહાળવા માટે અનેક લોકો જૂનાગઢનો પ્રવાસ કરી રહ્યાં છે. પરંતુ વરસાદમાં ગિરનારનો પ્રવાસ કરવો જોખમી સાબિત થઈ શકે છે. અત્યારે ગિરનાર પર ભારે વરસાદ થયો હોવાથી પાણીનું સ્તર વધી ગયું હતું, જેના કારણે ગિરનાર પર્વત પર ચડતા લોકો વચ્ચે જટાશંકર મહાદેવ મંદિર પાસે આવેલા ધોધમાં સ્નાન કરી રહ્યાં હતા તે દરમિયાન અટવાયા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે, તમામ લોકોનું રેક્સ્યુ કરી લેવામાં આવ્યું હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
જટાશંકરમાં સ્નાન કરવા પર પ્રતિબંધ હોવા છતાં લોકો ગયા
જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર જટાશંકર મહાદેવના દર્શન કર્યા પછી લોકો મંદિરની પાછળ આવેલા ધોધમાં આનંદ માણી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ઉપરના ભાગમાં ભારે વરસાદના કારણે ધોધમાં પાણીનું સ્તર વધી ગયું હતું. સ્નાન કરવાની મજા એકાએક ભયમાં ફેરવાઈ ગઈ હતી. લોકોની સલામતી માટે દર વર્ષે જટાશંકરમાં સ્નાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. છતાં પણ લોકો વારંવાર તે નિયમોની અવગણના કરતાં હોય છે. આ મજા લોકો માટે મોતની સજા પણ બની શકતી હતી! વરસાદની ઋતુમાં તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવે છે તેનું પાલન કરવું અતિ આવશ્યક છે.
જુનાગઢઃ ગિરનારના ઉપરવાસમાં ભારે વરસાદ થતા જટાશંકર મહાદેવ ધોધ પાસે અચાનક પાણીનું સ્તર વધ્યું
— MG Vimal – વિમલ પ્રજાપતિ (@mgvimal_12) July 23, 2025
જટાશંકરમાં સ્નાન કરવા પર પ્રતિબંધ હોવા છતાં લોકો ગયા હતાંઃ તંત્ર#Junagadh #Girnar #Jatashankar #waterfall #Gujarat #Heavyrain #IMD pic.twitter.com/WQirgeUNwa
સજા મજા બની જાય નહીં એની તકેદારી રાખો
જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાંથી એક ચેતવણી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભારે વરસાદ વચ્ચે ગિરનાર પર્વત પરથી પાણીના ઝડપી પ્રવાહમાં ઘણા લોકો ફસાઈ ગયા. લોકોએ કોઈક રીતે એકબીજાને ટેકો આપીને પોતાનો જીવ બચાવ્યો હતો, જ્યારે કેટલાક લોકોએ સૂકા ઝાડની ડાળીઓનો ઉપયોગ કરીને પુલ બનાવીને વરસાદી પાણીના પૂરને પાર કર્યો હતો. ચોમાસાની ઋતુમાં પર્વતીય વિસ્તારોમાં પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને જ્યારે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોય ત્યારે આ વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. તમારી મજા સજા બની જાય નહીં એ વાતનું ધ્યાન રાખવું.