ગીર સોમનાથમાં મેગા ડિમોલેશન દરમિયાન પોલીસ પર થયો પથ્થરમારો, 2 પોલીસકર્મી ઈજાગ્રસ્ત…

ગીર સોમનાથઃ પ્રભાસ પાટણમાં આજે ફરી વાર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે 5 હજાર ચોરસ મીટર જમીનમાં કરવામાં આવેલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આ મેગા ઓપરેશન દરમિયાન, તંત્રએ કુલ 11 જેટલા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કર્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલેશન કરવામાં આવી રહ્યું હતું. પરંતુ આ દરમિયાન ઘટનાસ્થળે એકઠા થયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પથ્થરમારામાં પીઆઈ સહિત 2 પોલીસકર્મી ઈજાગ્રસ્ત
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ટોળાએ કરેલા પથ્થરમારામાં પીઆઈ સહિત 2 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો. તેમ છતાં પણ ટોળું કાબૂમાં ના આવતા પોલીસે ટીયરગેસના 3 શેલ છોડ્યાં હતા. આ સમગ્ર મામલે એસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યાં પ્રમાણે પથ્થરમારાની ઘટનામાં PI એમવીપટેલ તેમજ સર્વેલન્સ સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ જયસિંહ પરમાર ઇજાગ્રસ્ત થયા છે, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.
અત્યારે પરિસ્થિતિ પૂર્ણ રીતે કાબૂમાં છે
ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય પરિસ્થિતિ કે વિરોધ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થળ પર 1 ડીવાયએસપી, 2 પી.આઈ, 4 પી.એસ.આઈ ઉપરાંત 82 પોલીસજવાન તહેનાત હતા. આ સાથે 10 ટીઆરબી જવાનો અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપની ટુકડીઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. તેમ છતાં પણ પોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે જણાવ્યું છે કે, અત્યારે પરિસ્થિતિ પૂર્ણ રીતે કાબૂમાં છે. આ સાથે વિવાદી સ્થળનું ડિમોલિશન પણ ચાલુ છે. પોલીસે આ ઘટના અંગે તોફાની ટોળા વિરુદ્ધ ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
1300 ચોરસ મીટર જમીન સંપૂર્ણપણે દબાણમુક્ત
આ દબાણોમાં રહેણાક મકાનો, વાણિજ્ય હેતુસર ચાલતી દુકાનો તેમજ એક ધાર્મિક સ્થાનનો પણ સમાવેશ થતો હતો. આ કાર્યવાહી માટે 7 જેસીબી મશીન, 10 ટ્રેક્ટર સહિતની ભારે મશીનરીનો કાફલો કામે લગાડવામાં આવ્યો હતો.આ કાર્યવાહીના કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમને ફાળવવામાં આવેલી વધારાની 1300 ચોરસ મીટર જમીન સંપૂર્ણપણે દબાણમુક્ત થઈ હતી. આ જમીન ખુલ્લી થવાથી હવે સરકારી તંત્રની ભાવિ યોજનાઓ માટેનો માર્ગ મોકળો થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે, સરકારી જમીન પર ગેરકાયદે દબાણો સામે તંત્રની કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.



