જૂનાગઢ

સરકારી નોકરી અપાવવાના બહાને ઠગાઈ: જુનાગઢમાં સસ્પેન્ડેડ કર્મીએ 10 બેરોજગારોને છેતર્યા, ₹3.17 લાખ પડાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

જુનાગઢ: સરકારી નોકરીની ઘેલછા ઘણીવખત મોટી છેતરપિંડીનો પણ ભોગ બનાવે છે. આવો જ એક કિસ્સો જુનાગઢમાં બન્યો છે, કે જેમાં મધુરમ વિસ્તારમાં રહેતા એક રત્નકલાકારે જનકપુરી સોસાયટીના એક શખ્સ વિરુદ્ધ પોસ્ટ ઓફિસમાં પટાવાળાની નોકરી અપાવવાની લાલચ આપીને કુલ દસ લોકો પાસેથી ₹3.17 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

નોકરી અપાવી દેવાની આપી હતી લાલચ

મળતી વિગતો અનુસાર શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય રત્નકલાકાર જયેશભાઈ ચંદુલાલ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી, તેની વિગતો અનુસાર આઠેક માસ પહેલા રાજકોટ રહેતા તેમના કૌટુંબિક માસા કેતનભાઈ વરુએ તેમને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ પોસ્ટ ઓફિસમાં તેમના એક જાણીતા સાહેબ દીપકભાઈ મુગતરામ ભટ્ટ છે, જે તેમને કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી અપાવી દેશે અને બાદમાં કાયમી પણ કરાવી દેશે, જેના બદલામાં ₹40,000 આપવા પડશે.

સગાં-સંબંધીઓ અને મિત્રોને પણ આપી લાલચ

બેરોજગાર જયેશભાઈને નોકરીની લાલચ લાગતા તેમણે દીપકભાઈનો સંપર્ક કર્યો હતો અને દીપકભાઈએ તેમને પોસ્ટ ઓફિસમાં પટાવાળા તરીકે નોકરી અપાવવાનું કહી ડોક્યુમેન્ટ્સ અને પ્રોસેસિંગ ફી પેટે ₹2,000 ગુગલ પે કરાવ્યા હતા. ત્યારબાદ દીપકભાઈ જયેશભાઈના ઘરે આવ્યા અને પરિવાર સાથે સંબંધો કેળવ્યા હતા. જયેશભાઈને ત્યાં સામાજિક પ્રસંગમાં ઘરે સગાં-સંબંધીઓ અને મિત્રો આવ્યા હતા, ત્યારે દીપકભાઈને જમવા બોલાવ્યો હતો અને આ દરમિયાન તેણે પોતે પોસ્ટ વિભાગમાં નોકરી કરતો હોવાનું અને ઘણા લોકોને નોકરીએ લગાવ્યા હોવાનું કહીને વ્યક્તિ દીઠ ₹40,000 લઈને નોકરી અપાવવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવીને ઘરે આવેલા 7 લોકોએ પણ જુદી જુદી રકમો અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફી પેટે વ્યક્તિ દીઠ ₹1,700 દીપકને ગુગલ પે મારફતે મોકલી આપ્યા હતા.

પોલીસે વધુ વધુ તપાસ હાથ ધરી

જયેશભાઈની ફરિયાદ અનુસાર દીપકે જયેશભાઈ, તેમની પત્ની સહિત કુલ 10 લોકો પાસેથી પોસ્ટમાં નોકરી અપાવવાની લાલચ આપીને કુલ ₹3,31,786 મેળવી લીધા હતા. જોકે, પૈસા લીધા બાદ દીપક ભટ્ટ નોકરીના ઓર્ડર અંગે જુદા જુદા બહાના બતાવવા લાગ્યો હતો. જો કે અંતે શંકા જતા જયેશભાઈએ ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ ખાતે તપાસ કરતા જાણવા મળ્યું કે, દીપક ભટ્ટ પોસ્ટ વિભાગમાં નોકરી તો કરે છે, પરંતુ હાલ તે સસ્પેન્ડેડ છે. આ મામલે પોલીસે વધુ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:  155 કરોડ રૂપિયાની ઠગાઈનોપર્દાફાશ: ચાર જણની ધરપકડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button