
જામનગરઃ જામનગરમાં ગઈકાલે શુક્રવારની સાંજે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બનતા જ ભારે દોડધામ મચી હતી. જ્યારે ગોપાલ ઈટાલિયા ભાષણ આપી રહ્યાં હતા, ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવામાં આવતા સભામાં ખળભળાટ મચી ગયો હતો. જૂતું ફેંકનાર છત્રપાલસિંહ જાડેજા નામના વ્યક્તિની અટકાયત પણ કરી લેવામાં આવી છે. હવે છત્રપાલસિંહ જાડેજાનો એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે.
જુતું ફેંકીને પ્રદિપસિંહ જાડેજાનો બદલો લીધો હોવાનો ખુલાસો કર્યો
ગોપાલ ઇટાલિયા પર જુતું ફેંકીને પ્રદિપસિંહ જાડેજાનો બદલો લીધો હોવાનું આ વીડિયોમાં છત્રપાલસિંહ જાડેજાએ કહ્યું છે. વાયરલ વીડિયોની વાત કરવામાં આવે તો કહ્યું કે, મેં ગોપાલ ઇટાલિયા પર જુતું ફેંકીને પ્રદિપસિંહ જાડેજાનો બદલો લીધો છે. તેણે (ગોપાલ ઇટાલિયાએ) જે-તે સમયે પ્રદિપસિંહ પર જૂતું ફેક્યું હતું. તેને ઘણો લાંબો સમય થઈ ગયો છે. આજે મને મોકો મળ્યો હોવાથી આ કાર્ય મે કર્યું છે. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આમ આદમી પાર્ટી દ્વારા પણ તેની સામે કાયદેસરની કાર્યવહી કરવા માટે માંગણી કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હુમલાખોરને મેથીપાક ચખાડ્યો
અત્રે નોંધનીય છે કે, આ ઘટનાને પગલે સ્ટેજ ઉપર બેઠેલા અન્ય અગ્રણીઓ તથા કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હુમલાખોરને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ પોલીસે જૂતું ફેંકનારની અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસે 15થી 20 મિનિટ બાદ માંડ છોડાવીને જીપમાં બેસાડી જી.જી હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે છત્રપાલસિંહ જાડેજા નામનો વ્યક્તિ કોંગ્રેસનો કાર્યકર્તા છે. તેણે પ્રદિપસિંહનો બદલો લીધો હોવાની વાત જણાવી હતી.
આ પણ વાંચો…જામનગરમાં ‘આપ’ની સભામાં હંગામો: ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું



