
જૂનાગઢ: ગુજરાતમાં ઓકટોબર માસમાં પડેલા માવઠાએ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે. મગફળી, કપાસ સહીતના પાકોને થયેલા વ્યાપક નુકસાનને પગલે ખેડૂતોના માથે આર્થિક ભારણ ખૂબ વધી ગયું છે. ત્યારે આ કપરી પરિસ્થતિમાં અનેક ખેડૂતોએ હિંમત હારીને આપઘાત કરી લીધાના બનાવો સામે આવ્યા હતા. છેલ્લા ત્રણ અઠવાડિયામાં જ 6 ખેડૂતોએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. આવો જ વધુ એક બનાવ જૂનાગઢ જિલ્લાના ઈશ્વરીયા ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ઈશ્વરિયા ગામમાં ૩૨ વર્ષીય ખેડૂત શૈલેષભાઈ સાવલિયાએ પોતાના ખેતરમાં જ જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. વિસાવદર પોલીસે આ અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૯૪ હેઠળ અકસ્માત મૃત્યુનો કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આર્થિક સંકડામણને કારણે શૈલેષે આ અંતિમ પગલું ભર્યું હતું.
મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, શૈલેષે આ સિઝનમાં પોતાના ૧૦ વીઘા ખેતરમાં મગફળી, ડુંગળી અને તુવેર જેવા પાકનું વાવેતર કર્યું હતું. જોકે, ગયા મહિને પડેલા માવઠાના કારણે તેમના પાકને મોટું નુકસાન થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાક નિષ્ફળ જતાં તેમનું આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું હતું. પાકમાં કરેલા મોટા રોકાણ અને પરિવારની જવાબદારીઓના બોજને કારણે તેઓ સતત ચિંતામાં રહેતા હતા. આ દબાણનો સામનો ન કરી શકવાને કારણે શૈલેષે ખેતરમાં જ જીવન ટૂંકાવ્યું હોવાનું માનવામાં આવે છે.
ખેડૂત આપઘાતના 6 બનાવો
9 નવેમ્બરના રોજ રાજકોટ જિલ્લાના વિંછીયા નજીકના રહેવાણીયા ગામે દાનાભાઈ રામજીભાઈ જાદવ નામના ખેડૂતે આપઘાત કરી લીધો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, મૃતક દાનાભાઈ પાસે આશરે 14 વીઘા જમીન હતી. તેમણે પોતાની જમીનમાં મગફળી અને તુવેરનું વાવેતર કર્યું હતું. પરંતુ માવઠાના કારણે પાક નિષ્ફળ જતાં આર્થિક દેવાની ચિંતામાં તેમણે આ પગલું ભરી લીધું હતું.
તે ઉપરાંત રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના અરડોઇ ગામના 50 વર્ષીય ખેડૂત દિલીપભાઈ વિરડિયાએ પણ પાક નિષ્ફળ જતાં આત્મહત્યા કરી લીધી હતી. તે ઉપરાંત ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રબારીકા ગામના 65 વર્ષિય ખેડૂત જાની ધનજીભાઈ અમરજીભાઈએ પાક નિષ્ફળ જતા આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આઠેક દિવસ પૂર્વે ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના રેવદ ગામમાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને થયેલા નુકસાનથી હતાશ થયેલા એક ખેડૂતે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રેવદ ગામના વતની અને ખેતીકામ કરતા ગફારભાઈ મુસાભાઇ ઉનડ (ઉંમર ૪૯) એ પોતાની ૧૦ વીઘા જમીનમાં પાક નિષ્ફળ જવાથી ભારે ચિંતા અને ડિપ્રેશનના કારણે આ આત્મઘાતી પગલું ભર્યું હતું.
મળતી વિગતો મુજબ, ગફારભાઈની ૧૦ વીઘા જમીનમાં કમોસમી વરસાદને કારણે પૂરેપૂરું નુકસાન થયું હતું. આ નુકસાનથી તેઓ એટલા હતાશ થયા હતા કે તેમણે પોતાની છાતી સાથે બે ફૂટનો સિમેન્ટનો થાંભલો બાંધીને કુવામાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું.
આ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના માનપર વિસ્તારના 37 વર્ષીય કરસનભાઈ વાવનોટિયાએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બન્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેતીપાક નિષ્ફળ જતાં ખેડૂત પર આર્થિક સંકટનું ભારણ આવી પડ્યું હતું. ગોલ્ડ લોન લઈને ખરીદેલું બિયારણ વરસાદથી નાશ પામતાં કરસનભાઈને ભારે નુકસાન થયું હતું. તેથી માનસિક તણાવ અને નિરાશામાં આવી ખેડૂતે અંતિમ પગલું ભર્યુ હતું.
આ પણ વાંચો…કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન: રાહત પેકેજની જાહેરાત છતાં સહાયની રકમ ઘટાતા ખેડૂતોમાં રોષ



