જામનગર

ગુજરાતના જામનગર પર પાકિસ્તાનનો ડ્રોન એટેકનો પ્રયાસ, ડ્રોન તોડી પડાયું

જામનગર : ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે ગુજરાત રાજ્ય પણ હાઈ એલર્ટ પર છે. પાકિસ્તાન દ્વારા ભારતીય ક્ષેત્રમાં સતત ડ્રોન અને મિસાઈલ હુમલાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં વહેલી સવારે જોવા મળેલા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. ગુજરાતના જામનગરમાં સવારે 4 વાગ્યે એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. ડ્રોનને કારણે જામનગરમાં સવારે 4 વાગ્યે બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું હતું.

એર ડિફેન્સ સિસ્ટમથી હુમલાને નિષ્ફળ બનાવી દીધો

આ પહેલા કચ્છમાં બુધવારે પાકિસ્તાન દ્વારા કરાયેલા હુમલાના નિષ્ફળ પ્રયાસ બાદ ત્રણ ડ્રોન દેખાયા હોવાની આશંકાના પગલે ભુજ, નલિયા, નખત્રાણા અને ખાવડામાં બ્લેકઆઉટ કરી દેવાયો હતો. બુધવારે પણ કચ્છ પર પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતે એર ડિફેન્સ સિસ્ટમથી હુમલાને નિષ્ફળ બનાવી દીધો હતો.

ગુજરાતના સાત એરપોર્ટ ફ્લાઇટ માટે બંધ

ભારત સરકાર દ્વારા દેશના કુલ 24 એરપોર્ટ માટે એરમેનને નોટિસ જાહેર કરવામાં આવી છે. જેમાંથી ગુજરાતમાં જામનગર, રાજકોટ (હિરાસર), પોરબંદર, કેશોદ, કંડલા, ભુજ અને મુન્દ્રા (અદાણી) એરપોર્ટનો સમાવેશ થાય છે. આ તમામ એરપોર્ટ સામાન્ય નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. એરમેનને નોટિસ આપવાનો અર્થ એ છે કે આ એરપોર્ટ પર ફ્લાઇટની કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય હવાઈ સુરક્ષા જાળવવાનો અને સશસ્ત્ર દળો માટે ઓપરેશનલ તૈયારી સુનિશ્ચિત કરવાનો છે.

આ પણ વાંચો…પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ભારતના 25 એરપોર્ટ બંધ, 400થી વધુ ફ્લાઈટ્સ રદ્દ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button