જામનગર

જામનગરના વેપારીને ઉત્તર પ્રદેશની કંપનીએ ₹73 લાખનો ‘ચૂનો’ લગાવ્યો! ફરિયાદ દાખલ

જામનગર: ગુજરાતની એક કંપનીના ભાગીદારને ઉત્તર પ્રદેશની કંપનીએ લાખો રૂપિયાનો ચૂનો લગાવી દીધાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જામનગરની વિજય કન્સ્ટ્રક્શન કંપનીમાં ભાગીદાર રાજુભાઈ મોઢવાડિયાએ ઉત્તર પ્રદેશ સ્થિત એક કંપનીના ડાયરેક્ટરો સામે ₹73.57 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

જામનગર સિટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકમાં નોઈડાની ‘સેક્સેના મરીનટેક પ્રાઈવેટ લિમિટેડ’ કંપનીના ડાયરેક્ટર એચ.એલ. સેક્સેના અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અતુલ શ્રીવાસ્તવ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

મળતી વિગતો અનુસાર, રાજુભાઈની પેઢી ‘વિજય કન્સ્ટ્રક્શન’ને સપ્ટેમ્બર 2022માં મિલિટરી એન્જિનિયર સર્વિસનો એક કોન્ટ્રાક્ટ ટેન્ડર પ્રક્રિયા દ્વારા મળ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રી-એન્જિનિયર્ડ બિલ્ડિંગ હેંગરના નિર્માણ માટે જામનગરની પેઢીએ ગ્રેટર નોઈડાની સેક્સેના મરીનટેક કંપની સાથે MoU કર્યો હતો. આ કરાર મુજબ બાંધકામના મટીરિયલ માટે જામનગરની બેંક ઓફ બરોડાના ખાતામાંથી RTGS મારફતે કુલ રૂ. 1.14 કરોડની રકમ ઉત્તર પ્રદેશની કંપનીને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

નાણાં મેળવ્યા બાદ, આરોપી કંપનીએ માત્ર રૂ. 40.42 લાખની કિંમતનું જ મટીરિયલ સપ્લાય કર્યું હતું. બાકી રહેલી ₹73.57 લાખની રકમનું મટીરિયલ મોકલવા અથવા નાણાં પરત કરવા માટે રાજુભાઈએ વારંવાર ઉઘરાણી અને ફોલો-અપ લીધા હોવા છતાં, કંપનીના સંચાલકોએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો કે રકમ પરત કરી નહોતી.

આમ, વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું જણાતા અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જામનગર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો…અંધેરીના વેપારી સાથે 78.64 લાખ રૂપિયાની છેતરપિંડી: લક્ઝરી કારના ડીલર સામે ગુનો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button