જામનગરમાં ચોકલેટ ખવડાવવાનું ભારે પડ્યું: CCTV ફૂટેજથી બ્લેકમેલ, જાણો મામલો | મુંબઈ સમાચાર

જામનગરમાં ચોકલેટ ખવડાવવાનું ભારે પડ્યું: CCTV ફૂટેજથી બ્લેકમેલ, જાણો મામલો

જામનગર: ગુજરાતમાં ક્રાઈમરેટમાં ઉતરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ફરી એક વખત જામનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 59 વર્ષના વેપારીને તેમની ગર્લફ્રેન્ડ સાથે ચોકલેટ ખવડાવવાનું મોંઘું પડ્યું હતું. આ ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી અને જેનો ઉપયોગ કરી દુકાનદારે વેપારીને બ્લેકમેલ કર્યા. આ ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

વાત જાણે એમ છે કે જામનગરના સુભાષમાર્કેટમાં આવેલી ડ્રાય ફ્રૂટ્સની દુકાન પર વેપારી તેમની ગર્લફ્રેન્ડ સાથે ખરીદી કરવા ગયા હતા. આ દરમિયાન તેમણે એકબીજાને ચોકલેટ ખવડાવી હતી, જે દુકાનના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગયું. આ ફૂટેજનો દુરુપયોગ કરી દુકાનના માલિક અબ્દુલ સત્તાર ઉર્ફે અબુ કાસમ લાખાણી અને તેના સાથી સમીર રાવકરડાએ વેપારીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. પહેલા તેમણે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 50 હજાર રૂપિયા વસૂલ્યા.

આ પણ વાંચો: પ્રેમિકાએ બ્લેકમેલ કરતાં એન્જિનિયર મામાએ ડિમાન્ડ પૂરી કરવા ભાણેજનું અપહરણ કરી રચ્ચો ખતરનાક કાંડ

જોકે, આરોપીઓની લાલચ અહીં અટકી નહીં. થોડા દિવસો બાદ તેમણે ફરીથી એક લાખ રૂપિયાની માંગણી કરી. વેપારીએ આ રકમ આપવાની ના પાડતાં આરોપીઓએ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આનાથી વેપારીની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન થયું અને તેમના વ્યવસાય પર પણ અસર પડી. આ ઘટનાથી માનસિક રીતે હેરાન થયેલા વેપારીએ આખરે પોલીસનો સંપર્ક કર્યો.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ આ કેસની તપાસ ચાલુ છે. પોલીસે લોકોને આવા બ્લેકમેલિંગના કેસથી સાવધાન રહેવા અને તાત્કાલિક ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button