ગોંડલમાં પાટીદાર-ક્ષત્રિય સમાજ વચ્ચેના વિવાદનું થયું સમાધાનઃ પાટીદાર સમાજે કહ્યું ગણેશને બનાવશે ધારાસભ્ય

ગોંડલઃ ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસને લઈને પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચેના વિવાદનું સમાધાન થયુ છે. આ ગોંડલનાં રિવર સાઈડ પેલેસ ખાતે શહેરનાં આગેવાનો તેમજ વિશેષ કરીને પાટીદાર અને ક્ષત્રિય સમાજનાં આગેવાનોની એક બેઠક થઈ હતી, જેમાં જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરિયા, અશોક પીપળીયા તથા, ગોપાલ શિંગાળા, કનકસિંહ જાડેજા અને મનસુખભાઇ સખીયા, લક્ષ્મણભાઇ પટેલ હાજર રહ્યા હતા.
પાટીદાર-ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓની બેઠક
પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં વિવાદ સર્જાયો હતો. આ વિવાદમાં ગોંડલ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે બાદમાં પાછુ ખેંચાયું હતુ. ત્યાર બાદ આજે આ વિવાદમાં ગોંડલ રિવર સાઈડ પેલેસ ખાતે પાટીદાર અને ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓની એક બેઠક મળી હતી.
આપણ વાંચો: પાલનપુરમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા 167 કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલે કહી આ વાત
જેમાં આ વિવાદમાં સમાધાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજા સહિત બંને પક્ષના ફરિયાદીઓ પણ હાજર રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે પીડિત સગીરે કહ્યું કે અમારે કોઈ જાતિ-સમાજનો ઝઘડો નહતો અને વાત અહીંયા પૂર્ણ થાય છે.
પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિયનું સપનું ક્યારેય પૂરું નહીં થાય
આ બેઠકમાં ગણેશ જાડેજાએ કહ્યું હતું કે, લગભગ છેલ્લા છેલ્લા ચાર પાંચ દિવસથી જે રીતે ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે સૌરાષ્ટ્રને બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધે છે.
અસામાજિક તત્વોને અને ટપોરીઓને અહીંથી ગોંડલના અઢારે વરણના લોકો તરફથી અને ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીઓને હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે. સર ભગવતસિંહનું ગોંડલ છે. તેમણે કહ્યું હતું કે અહી તમામ વરણનાં લોકો હળીમળીને રહે છે અને પાટીદાર Vs ક્ષત્રિય કરાવવાના સપના ક્યારેય પૂરા નહીં થાય.
ગોંડલને બદનામ કરવામાં આવશે ત્યારે….
અહીંના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, “હું અહી તમામનો હ્રદયપૂર્વક આભાર માનું છું. તેમણે જીથરો ભાભો વાર્તાનું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે આવી વાતોમાં નહીં પડતાં. ગોંડલની જે રીતે પ્રગતિ છે, ગોંડલની જે સુખાકારી છે અને ગોંડલનાં ધંધા ઉદ્યોગમાં રાજકોટથી લઈને ગોંડલ સુધી કોઇ જગ્યા ખાલી નથી અને તે શાંતિ અને સલામતીનું પરિણામ છે. આ બેઠકમાં તમામ સમાજનાં લોકો છે.
આ બેઠકમાં બંને પક્ષોએ આ વાતને સાચી રીતે સ્વીકારી. આગળ તેમણે કહ્યું હતું કે ગોંડલને બદનામ કરવાની વાત હોય ત્યારે ગમે તેવા પાયાવિહોણા આક્ષેપ થઈ શકે અને તેનો જવાબ ન આપવો જોઇએ. આપણી શાંતિ, આપણા સંબંધો ટકી રહેવા જોઇએ. તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે જ્યારે ગોંડલને બદનામ કરવામાં આવશે ત્યારે સાથે મળીને લડત આપશુ.
ગણેશને પાટીદાર સમાજ ખભે બેસાડી બનાવશે ધારાસભ્ય
આ બેઠકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કહ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી ગોંડલની છબીને ખરાબ કરવા માટે જે લોકોને ઊંડે ઊંડેથી સીટ દેખાતી હતી તેઓ બોલ્યા હતા. સૌરાષ્ટ્રનું એકમાત્ર વિકસિત શહેર ગોંડલ છે અને તેના પાયામાં જયરાજસિંહનો પરિવાર છે. તેમણે કહ્યું હતું કે આ બનાવ બન્યો ત્યારથી મને ફોન શરૂ થઈ ગયા હતા કે વિધાનસભામાં તમારે મોકો છે.
તેમણે કહ્યું હતું કે ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચેનાં સંબંધ છેક રાજાશાહી કાળથી છે. તેમણે કહ્યું હતું કે બહાર કોઇ એવું ન વિચારે કે ગોંડલમાં વિરોધ છે અને પાટીદારો ડરમાં છે. તેમણે એમ પણ કહ્યું હતું કે બહારનાં લોકો ગોંડલ પર નજર ન કરે અમારો ગણેશ તૈયાર છે અને પાટીદાર સમાજ તેને ખભે બેસાડીને ધારાસભ્ય બનાવશું.