
ગોંડલઃ સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ઉંચકાયો છે ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ આજે રાજકીય ગરમાવો આવ્યો હતો. ગણેશ જાડેજાએ આપેલા પડકાર બાદ અલ્પેશ કથીરિયા આજે ગોંડલ આવ્યા હતો. તેના પર હુમલો થયો હતો. અલ્પેશનો ગોંડલના સ્થાનિકોએ હાથમાં પોસ્ટર્સ અને બેનર્સ સાથે વિરોધ કર્યો હતો. આ દરમિયાન ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા પરત ફર્યાનો દાવો કર્યો હતો. જયરાજસિંહે પડકાર ફેંકતા કહ્યું કે, 2027માં અણવર બનીને નહીં વરરાજા બનીને આવજો.
શું કહ્યું જયરાજસિંહ જાડેજાએ?
જયરાજસિંહ જાડેજાએ કહ્યું, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે.
લોક રોષ જોઇને ગોંડલ છોડીને જતુ રહેવું પડ્યું છે. અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે. 500 કિલોમીટર દૂર રહીને ગોંડલ ભયમાં હોવાનો આક્ષેપ કરે છે. ગણેશ ગોંડલ અમે નામ નથી આપ્યું, ગોંડલની જનતાએ આપ્યું છે. જયરાજસિંહ જાડેજાએ પડકાર અલ્પેશ કથીરિયાને પડકાર ફેંકતા કહ્યું, 2027માં અણવર બનીને નહીં વરરાજા બનીને આવજો. ટિકિટ આપવાનું કામ હાઈ-કમાન્ડનું છે મારું નથી. આ બાબતે હાઈકમાન્ડને હું ગંભીરતાપૂર્વક રજૂઆત કરીશ. ગોંડલના પાટીદાર અગ્રણીઓ અને પાટીદાર સમાજ મારી સાથે છે. આગામી દિવસોમાં નગરપાલિકા,માર્કેટીંગ યાર્ડ,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. જે લોકો અહીં રહેતા નથી તેઓ વિરોધ કરવા આવી જાય છે.
શું છે વિવાદ?
થોડા દિવસ પહેલા પાટીદાર એકતા માટે ગોંડલમાં સમાજ હિત માટે લડત ચલાવનારા વિનુ શિંગાળાની પ્રતિમા સ્થાપવા માટે યુવા પાટીદાર અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં ઉપસ્થિત રહેલા જિગિશા પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને મેહુલ બોઘરાએ પાટીદારોને એક થવા આહવાન કર્યું હતું, મેહુલ બોઘરાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ગોંડલમાં લોકશાહીના નામે લોહીયાળ ખાનદાન શાહી ચાલે છે. ગોંડલમાં 80 ટકા પાટીદારની વસ્તી હોવા છતાં આપણા કોઈ ધારાસભ્ય ના હોય, તે આપણે શરમથી ડૂબી જવું જોઈએ. પાટીદાર સમાજે પણ આ સંદર્ભે વિચારવું જોઈએ. અલ્પેશ કથીરિયાએ તેના સંબોધનમાં ગોંડલની તુલના મિર્ઝાપુર સાથે કરી હતી. જિગીષા પટેલે કહ્યું, પાટીદારોની સૌથી વધુ વસ્તી હોવા છતાં ગોંડલ વિધાનસભા બેઠક પર છેલ્લા ત્રણેક દાયકાથી જાડેજા પરિવારનું એકહથ્થુ શાસન છે. ગોંડલ APMC, ગોંડલની નાગરિક બેંક, નગર પાલિકામાં આ લોકોના માણસો જ બેઠા છે અને અહીંથી જ રાજકારણ રમાય છે. હવે આપણે ગોંડલને જલ્લાદોની બાનમાંથી મુક્ત કરાવવાનું છે.
બે દિવસ પહેલા સુલતાનપુરમાં યોજાયેલી એક જાહેરસભામાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયાને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, માનું ધાવણ ધાવ્યાં હો તો મેદાનમાં આવી જાઓ. મારી ગાડી બે વાગે ગોંડલમાં જોવા મળશે. જો હિંમત હોય તો કાર્યકર્તાઓનો કોલર પકડીને પણ બતાવો, હું વાવાઝોડાની જેમ ન આવું તો કહેજો. 200 કિમી દૂરથી વીડિયો બનાવીને રમત ન રમશો. અલ્પેશ કથીરિયાએ ચેલેન્જ સ્વીકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ગોંડલ, સ્વાગતની કરો તૈયારી. આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ. જે બાદ કથીરિયા આજે ગોંડલ આવ્યો હતો.
આ પણ વાંચો…ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલો, ગબ્બર નહીં ગદ્દાર લખેલા પોસ્ટર દર્શાવ્યા…