ગોંડલમાં જુગાર રમતા ભાજપના પૂર્વ પ્રમુખ સહિત સાત લોકો ઝડપાયા, 82.76 લાખનો મુદ્દામાલ જપ્ત

ગોંડલઃ ગોંડલ તાલુકા પોલીસે રીબડા-ગુંદાસરા રોડ પરથી પ્રીમિયર એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં જુગાર રમતા ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા વર્તમાન ભારતીય જનતા પાર્ટીના આગેવાન મનીષભાઈ દુર્લભજીભાઈ ચનિયારા સહિત સાત વેપારીઓને ઝડપી પાડ્યાં હતા. પોલીસે દરોડામાં રૂપિયા 20.21 લાખની રોકડ, આઠ મોબાઈલ ફોન, ત્રણ મોટર કાર સહિત કુલ રૂપિયા 82.76 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બાતમીના આધારે ગોંડલ પોલીસે પાડ્યાં હતા દરોડા
આ કેસમાં પોલીસ ઈન્સપેક્ટર એ.ડી. પરમાર અને સર્વેલન્સ સ્ટાફ સામે મળેલી બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યાં હતા. પોલીસે જુગાર રમતા લલીતભાઈ કાનેરીયા, હીતેષ દરજી મણવર, રમેશ વલ્લભ મારડિયા, પ્રતિકભાઈ જ્યંતીભાઈ ભુત, જેમીનભાઈ માધવજીભાઈ ઘેટીયા, મનીષ દુર્લભજીભાઈ ચનીયારા અને દીલીપ અસોદરીયા સહિતના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યાવાહી દરમિયાન જુગાર કેસ ન કરવા માટે ભલામણનો ફોન પણ આવ્યો હતો, પરંતુ પોલીસે કોઈ પણ પ્રકારના ભલામણ વગર કાયદેસર કાર્યવાહી કરી હતી.
20.21 લાખની રોકડ સહિત કુલ 82.76 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આ દરોડા દરમિયાન જુગારીઓ પાસેથી રૂપિયા 20.21 લાખની રોકડ રકમ, રૂપિયા 6.85 લાખની કિંમતના આઠ મોબાઈલ ફોન અને રૂપિયા 55.70 લાખની કિંમતની 3 કાર સહિત કુલ મળીને રૂપિયા 82.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે આરોપીઓ સામે જુગારની કમલો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી પણ કરવામાં આવી હતી.