ગીર સોમનાથમાં તહેવારના રંગમાં પડ્યો ભંગ, કરંટ લાગતા સગીર સહિત 3ના મોત

વેરાવળ: ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે તાલુકાના સિડોકર ગામે રબારી સમાજના આસ્થાના કેન્દ્ર મોમાઈ માતા મઢ ખાતે પણ આ તહેવારના ભાગ રૂપે પુંજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી. પરંતુ તહેવારના રંગમાં એક દુ:ખદ ઘટનાએ ભંગ પાડી દીધો હતો. જેના કારણે ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. આઠમ અને નોમના પ્રસંગે યોજાયેલા આ ઉત્સવમાં વહેલી સવારે દુર્ઘટના બની હતી, જેમાં ત્રણ માઈ ભક્તોના જીવ જોખમાયા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે વરસાદનું જોર હતું. આ દરમિયાન ત્રણ ભક્તો ચા ભંડારા નજીક ઊભા હતા અને વરસાદથી બચવા માટે ઇલેક્ટ્રિક પેનલ બોર્ડની નજીક ગયા. અચાનક શોર્ટ સર્કિટ થતાં તેમને વીજ જોરદાર કરંટ લાગ્યો, અને ત્રણેયનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકોની ઓળખ ભરત નારણભાઈ ગલચર (18, તાલાલા), હર્ષલ ભરતભાઈ ચૌહાણ (13, રોણાજ), અને કરશન ગોવિંદ મારુ (45, વડોદરા ઝાલા) તરીકે થઈ છે.
આ દુર્ઘટના બાદ ત્રણેય મૃતકોના મૃતદેહને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે, જેમાં શોર્ટ સર્કિટનું કારણ અને ઇલેક્ટ્રિક પેનલની સ્થિતિની તપાસ કરવામાં આવશે. સિડોકર ગામમાં વર્ષોથી મોમાઈ માતાજીનો પુંજનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય છે, અને આ વખતે પણ બે દિવસીય કાર્યક્રમનું આયોજન થયું હતું. પરંતુ આ દુઃખદ ઘટનાએ ઉત્સવની ખુશીને શોકમાં ફેરવી દીધો.
મોમાઈ માતાજીનો પુંજ ઉત્સવ રબારી સમાજની આસ્થા અને ભક્તિનું પ્રતીક છે, જેમાં હજારો ભક્તો ભાગ લે છે. આ ઉત્સવ દરમિયાન ગરબા, ભજન અને ભંડારાનું આયોજન થાય છે, જે ગામની એકતા અને ધાર્મિક ઉત્સાહનું ઉદાહરણ છે. જોકે, આ ઘટનાએ ઉત્સવ દરમિયાન ઇલેક્ટ્રિક સલામતીના પાસાઓ પર પ્રશ્નો ઉભા કર્યા છે. શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓ ટાળવા માટે ભવિષ્યમાં વધુ સાવચેતી અને નિયમોનું પાલન જરૂરી બની ગયું છે.
આપણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે સબ-ઇન્સ્પેક્ટર પરીક્ષાના પરિણામને પડકારતી અરજી ફગાવી