સોમનાથ સ્વાભિમાન પર્વ: નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને ભારતની સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રીય અસ્મિતાનો મંગલ ઉત્સવ

સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ભારતની હજારો વર્ષ જૂની સંસ્કૃતિના અખંડ પ્રવાહને આધુનિકતા સાથે જોડતો એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંકલ્પ બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ તે ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પુનઃજાગરણનું પ્રતીક છે. સોમનાથ મંદિરનો ઈતિહાસ સંઘર્ષ અને શ્રદ્ધાની અદ્ભુત ગાથા છે, જે દર્શાવે છે કે આસ્થાના કેન્દ્રો રાષ્ટ્રીય અસ્મિતાને કેવી રીતે જીવંત રાખે છે.
મંદિર પરિસરમાં સ્થિત ઐતિહાસિક ‘બાણસ્તંભ’ આ સ્વાભિમાન પર્વ નિમિત્તે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અરબી સમુદ્ર તરફ મુખ ધરાવતો આ સ્તંભ પ્રાચીન ભારતની અદ્યતન વૈજ્ઞાનિક અને ભૌગોલિક સમજનું જીવંત ઉદાહરણ છે. સ્તંભ પર અંકિત શ્લોક મુજબ, અહીંથી દક્ષિણ ધ્રુવ સુધી પૃથ્વીના અંત સુધી સીધી રેખામાં કોઈ પણ જમીનનો ટુકડો આવતો નથી. આ બાબત સાબિત કરે છે કે હજારો વર્ષો પહેલાં પણ ભારતના વિદ્વાનો પૃથ્વીની ભૂગોળથી સંપૂર્ણપણે પરિચિત હતા, જેના પરચા મળતા આજના યુગમાં મળતા રહે છે.
સોમનાથની ભૂમિ આક્રમણકારોના અનેક વિધ્વંસની સાક્ષી રહી છે, છતાં દર વખતે આ મંદિરનું ભવ્ય પુનઃનિર્માણ થયું છે. સોમનાથ સ્વાભિમાન પર્વ આ અવિરત સંસ્કૃતિ અને અડગ આત્મવિશ્વાસનો સંદેશ આપે છે. મંદિરના પુનઃનિર્માણથી લઈને નરેન્દ્ર મોદીના દૃઢ સંકલ્પ સુધીની આ યાત્રા ભારતની સાંસ્કૃતિક પુનઃસ્થાપનાની સાક્ષી પૂરે છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશભરના ઐતિહાસિક વારસાના સંરક્ષણને જે પ્રાધાન્ય મળ્યું છે, તેનાથી રાષ્ટ્રની ચેતનાને નવી ઊંચાઈ મળી છે.
આ પર્વ અંતર્ગત બાણસ્તંભ અને મંદિરના ઈતિહાસનું સ્મરણ નવી પેઢીને ભારતના ગૌરવશાળી ભૂતકાળ સાથે જોડવાનો પ્રયાસ છે. આ ઉજવણી યુવાનોમાં આત્મવિશ્વાસ, વૈજ્ઞાનિક વિચારસરણી અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રબળ બનાવશે. ભારતની પ્રાચીન પરંપરાઓ અને આધુનિક પ્રગતિ વચ્ચે સુમેળ સાધીને રાષ્ટ્ર કેવી રીતે વિશ્વગુરુ બની શકે છે, તેની ઝલક આ પર્વમાં જોવા મળે છે. સોમનાથ સ્વાભિમાન પર્વ ખરા અર્થમાં ભારતની રાષ્ટ્રભાવનાની જીવંત અભિવ્યક્તિ છે.
આ પણ વાંચો…‘સોમનાથ સ્વાભિમાન પર્વઃ કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે સોમનાથમાં તૈયારીઓની કરી સમીક્ષા



