કાશી-ઉજ્જૈનની જેમ થશે સોમનાથની કાયાપલટ, 282 કરોડનો થશે ખર્ચ

ગીર સોમનાથઃ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથની કાયાપલટ થશે.આ માટે 282 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. યાત્રાધામ સોમનાથની કાયાપલટનું કામ પીએમ મોદીના માર્ગદર્શમાં થશે.સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શન હેઠળ સરકાર પ્રથમ જ્યોતિર્લિંગની કાયાપલટ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. કાશી વિશ્વનાથ અને ઉજ્જૈનની જેમ જ અહીં ડેવલપમેન્ટ કરવામાં આવશે. ગુજરાતસ સરકારે સોમનાથ મંદિરના વિકાસ અને યોજનાને આગળ વધારવા માટે સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ (સુડા)ની સ્થાપના કરી છે. શહેરી વિકાસ વિભાગ આ સપ્તાહની શરૂઆતમાં એક જાહેરનામું બહાર પાડ્યું હતું.
પ્રોજેક્ટની તૈયારીમાં માટે અધિકારીઓએ મંદિરની નજીકની 102 એકરથી વધુ સરકારી જમીન સાફ કરી છે. આ માટે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત 282 કરોડ રૂપિયા છે. માસ્ટર પ્લાન મંદિર પરિસર અને આસપાસના વિસ્તારો બંનેને આવરી લેશે. નવી રચાયેલી સત્તા વેરાવળ-પાટણ નગરપાલિકા અને આસપાસના 12 ગામોમાં પ્રવાસન-આધારિત નગર આયોજન લાગુ કરશે. સુડા હવે વિસર્જન પામેલા વેરાવળ-પાટણ વિસ્તાર વિકાસ સત્તામંડળનું સ્થાન લેશે. પાટણ-વેરાવળ અને સુત્રાપાડા બંને તાલુકા હવે સુડાના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.
મંદિરનું નવીનીકરણ અને નવા આકર્ષણો
માસ્ટર પ્લાનમાં અહિલ્યાબાઈ મંદિર અને માતા પાર્વતી મંદિર બંનેનું નવીનીકરણ કરવાનો સમાવેશ થાય છે. 1.48 કિમીનો પ્રોમેનેડ દરિયા કિનારે ફેલાયેલો હશે. તેમાં લેન્ડસ્કેપિંગ, બાળકોના રમતના વિસ્તારો, પ્રાચીન ધાર્મિક ચિત્રો અને સુશોભન લાઇટિંગનો સમાવેશ થશે. ઘણા નવા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. આમાં શોપિંગ કોમ્પ્લેક્સ, હેરિટેજ વોક અને મ્યુઝિયમનો સમાવેશ થાય છે. યોજનાઓમાં ગીતા મંદિર, ત્રિવેણી સંગમ ખાતે રિવરફ્રન્ટ અને ઇકો-વિલેજ હાટનો પણ સમાવેશ થાય છે. આ હાટનો હેતુ સ્થાનિક કલા, હસ્તકલા અને ભોજનનું પ્રદર્શન કરવાનો છે.
મુખ્ય આકર્ષણ સોમનાથના ઐતિહાસિક મહિમા અને સુંદરતાને પ્રકાશિત કરતી એક પ્રદર્શન ગેલેરી/મ્યુઝિયમ હશે. સંગ્રહાલય જૂના સોમનાથ મંદિરોના તોડી પાડવામાં આવેલા ભાગો પ્રદર્શિત કરશે. તેમાં નાગર શૈલીના મંદિર સ્થાપત્યનું પ્રદર્શન કરતી શિલ્પો પણ દર્શાવવામાં આવશે.
આ બાબતોનો પણ રાખવામાં આવશે ખ્યાલ
સુડા સોમનાથ-વેરાવળ-પાટણ વિસ્તાર માટે ખાસ નગર આયોજન યોજનાઓ તૈયાર કરશે અને ઝડપથી અમલમાં મૂકશે. આ યોજનાઓમાં મંદિર પરિસર, દરિયાકાંઠાના સ્થળો, સાસણમાં સિંહ સફારી અને વન પર્યટનનો સમાવેશ થાય છે. દીવ, દ્વારકા અને પોરબંદર જેવા નજીકના સ્થળોનો પણ સમાવેશ થાય છે. યાત્રાળુઓ માટે રહેઠાણ, મનોરંજન સુવિધાઓ અને પ્રવાસન સ્થળો વચ્ચે સરળ મુસાફરી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
શુક્રવારે ગીર સોમનાથના પ્રભાસતીર્થમાં સોમનાથ મહાદેવ મંદિરના 75માં સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જુના સોમનાથ મંદિરથી શરૂ થયેલી આ પાલખીયાત્રા પ્રભાસ પાટણ નગરપાલિકા વિસ્તારમાં ફરી હતી. હજારોની સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પાલખીયાત્રાનું ઠેર-ઠેર પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પાલખીયાત્રામાં ઉજ્જૈનથી એવલા ડમરુવાદક સમૂહ અને નાસિક ઢોલની પ્રસ્તુતિએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.