સોમનાથના આકાશમાં 3000 ડ્રોનથી ભગવાન શિવ-મોદીના અદ્ભુત ચિત્રો, જાણો શું છે ખાસ

ગીર સોમનાથઃ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જાયો હતો. આ ડ્રોન શોમાં અંદાજે 3000 જેટલા ડ્રોનના સહારે અરબી સમુદ્ર ઉપર આકાશમાં પ્રકાશના સુમેળભર્યા સંયોજન દ્વારા વિવિધ બિંદુચિત્રો સર્જવામાં આવ્યા હતા. આકાશમાં ઊભરાતા પ્રકાશમય દૃશ્યો લોકઆકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા.
ડ્રોન શોમાં ક્યાં બિંદુચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યાં?
ડ્રોન લાઈટના માધ્યમથી ત્રિશૂળ, ઓમ, તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર, વીર હમીરજી, અહલ્યાભાઈ હોલ્કર, સોમનાથ પર આક્રમણ, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વાભિમાન પર્વનો લોગો તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બિંદુચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ તમામ ચિત્રોએ ભારતીય સંસ્કૃતિ, આત્મગૌરવ અને રાષ્ટ્રીય અભિમાનનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું.
આ પણ વાંચો : પીએમ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથમાં યોજાયો ડ્રોન શો, અદ્ભુત દ્રશ્ય જોઈ યાત્રિકો મંત્રમુગ્ધ

સોમનાથમાં 15 મિનિટ સુધી ચાલ્યો આ ડ્રોન શો
આ ભવ્ય ડ્રોન શોનું સંચાલન કુલ 40 પ્રશિક્ષિત ઓપરેટરો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. આશરે 15 મિનિટ સુધી ચાલેલા આ શોએ ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મંદિરના પટાંગણમાં ઉપસ્થિત રહી આ ભવ્ય ડ્રોન શો નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ પણ આ અદભૂત દૃશ્યાવલિ નિહાળી ગૌરવ અને આનંદની લાગણી અનુભવી હતી. ડ્રોન શો પૂર્ણ થયા બાદ તુરંત જ નજીકના દરિયા કિનારે ભવ્ય આતશબાજી થઈ હતી, વિવિધ પ્રકારના ક્રેકર્સથી આકાશ રંગેરંગી થઈ ગયું હતું.
આ પણ વાંચો : PM મોદીનું આજે ગુજરાતમાં આગમન,સોમનાથમાં ક્યા ધાર્મિક કાર્યક્રમથી કરશે શરૂઆત ?



