ઉનાની સ્કૂલમાં પ્રાર્થના વખતે વિદ્યાર્થી પર છતના પોપડા પડ્યાં, દસ ઘવાયા

ઉના: રાજ્યમાં સરકારી શિક્ષણ સંસ્થાઓની હાલતના મુદ્દા પર પ્રશ્ન ઉભા કરે તેવી ઘટના ગીર સોમનાથ જિલ્લાથી સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાના વાસોજ ગામની જર્જરીત પ્રાથમિક શાળાના પોપડા ધડાધડ વરસી પડતાં 10 વિદ્યાર્થીઓને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવી છે. ક્ષતિગ્રસ્ત ઇમારત અંગે તંત્ર બેદરકાર રહેતાં ગ્રામજનો અને વાલીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.
10 જેટલા બાળકો ગંભીર રીતે ઘાયલ
પ્રાપ્ત વિગતો અનુસાર ગીર સોમનાથ જિલ્લાના ઉનાના વાસોજ ગામની જર્જરીત પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પર છતના પોપડા પડ્યા હોવાની વિગતો સામે આવી છે. વિદ્યાર્થીઓ શાળાની લોબીમાં પ્રાર્થના કરવા બેઠા હોય તે દરમિયાન તેમની તેમના પર છતના પોપડા પડ્યા હતા. જેમાં 10 જેટલા બાળકો ઘાયલ થયા હતા.
ચાર બાળકોને માથાંના ભાગે ગંભીર ઇજાઓ
ત્યારબાદ તાત્કાલિક 108 મારફતે ઉના સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થયા બાદ તાલુકા શિક્ષણ અધિકારી, ઉના તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતનાં પ્રમુખ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉના સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઘાયલ બાળકો પૈકી ચાર બાળકોને માથાંના ભાગે ગંભીર ઇજાઓ હોય તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.
ડીજે સાઉન્ડના કારણે સર્જાય દુર્ઘટના
પ્રાથમિક તપાસમાં ગામની પ્રાથમિક શાળાની બાજુમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં ડીજે સાઉન્ડ સિસ્ટમ વાગતી હોય તેની ધ્રુજારીને કારણે જર્જરિત બિલ્ડીંગનાં સ્લેબમાંથી મોટાં પોપડા પડ્યા હોવાનું શિક્ષકો જણાવ્યું હતું. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની ન સર્જાય હોવાથી શિક્ષકો અને વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો. જો કે આ ઘટનાએ તંત્રની શિક્ષણ પ્રત્યેની બેદરકારીને સ્પષ્ટ રજૂ કરી દીધી છે.