ગીર સોમનાથ

‘કોળી સમાજ પર અત્યાચાર થશે તો ધોકા ઉપાડીશું…’, પરસોત્તમ સોલંકીનું વિવાદિત નિવેદન…

(અમારા પ્રતિનિધિ તરફથી)

ગીર સોમનાથ: ગીર સોમનાથના ઉના તાલુકાના સિમર ગામે ઉના-ગીર ગઢડા તાલુકા કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય પરસોત્તમ સોલંકી પોતાના આગવા અને દબંગ અંદાજમાં જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ ધોકાવાળી વાતનો ઉલ્લેખ કરીને એક વિવાદિત નિવેદન પણ આવ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો….

ધોકાવાળી વાતનો ઉલ્લેખ કરતા શું બોલ્યાં પરસોત્તમ સોલંકી?

ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ કહ્યું કે, ‘ઘણીવાર જાહેરમાં ભાષણમાં કંઈ કહી દઉં છું કે, કોઈ ના સમજે તો ધોકાવાળી કરાય. જ્યારે આ મુદ્દો સમાચારમાં આવ્યો ત્યારે ટીવીવાળાઓએ તેનો ઘણો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવું છે. તો મેં કહ્યું કે, મેં જે કહ્યું છે તે સાચું છે, તમે ના સમજો તો એ તમારો વિષય છે. ભાષણ તો બધા રાજકારણીઓ કરે છે અને વાતો કરીને ભાગી જાય છે, પણ હું એમાંનો નથી. ચિંતા ન કરતા, તમને કોઈ ટેન્શન નહીં આપું. પરંતુ જો તમને કોઈ ધોકા મારે તો યાદ રાખજો કે તમારી પાછળ પરસોત્તમ સોલંકી ઊભો છે’.

પરસોત્તમ સોલંકીના નિવેદનના કારણે રાજકીય માહોલ ગરમાયો

વધુમાં MLA પરસોત્તમ સોલંકીએ કહ્યું કે, ‘હું કોળી સમાજનો દીકરો છું, મને બીજું કંઈ આવડતું નથી. તમે બધાએ મારા દાખલા જોયા છે, જો મારા કોળી સમાજને કોઈ દુઃખી કરતું હશે તો હું નહીં છોડું. બીજાં કરે કે ના કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો છે. હું જે કરું છું તે દિલથી કરું છું અને સમાજના ભલા માટે કરું છું, મને કોઈ મર્યાદા નડતી નથી.

હું રાજકારણ કરતો નથી અને મને તે આવડતું પણ નથી. દુઃખીની સામે દુઃખી અને સુખીની સામે સુખી બનીને ઊભો રહેવો એ જ મારી રીત છે. ભાવનગર, ગાંધીનગર કે ઉના… હું ગમે ત્યાં હોઉં, સમાજના કોઈ પણ વ્યક્તિને જરૂર પડે તો સીધા આવી જજો. તમારા અખતરા કરવા હોય તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. ધારાસભ્યનું આ નિવેદન અત્યારે ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાવી શકે છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button