Top Newsગીર સોમનાથ

PM Modi શનિવારે સોમનાથની મુલાકાતેઃ 1,000 વર્ષના ઈતિહાસ અને સ્વાભિમાન પર્વની ઉજવણી…

સોમનાથમાં 108 અશ્વો સાથે ભવ્ય રોડ શો અને મંદિર કોરિડોરના ડ્રીમ પ્રોજેક્ટનું થશે આયોજન

ગાંધીનગર/સોમનાથ: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ શનિવારથી સૌરાષ્ટ્રની મુલાકાતે છે. 10 અને 11 જાન્યુઆરીના ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથની મુલાકાત લેશે. પીએમ મોદીની આ મુલાકાત માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ પણ મહત્વની રહેશે. ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા વડા પ્રધાનના સ્વાગત માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન સોમનાથની અસ્મિતા અને શૌર્યને ઉજાગર કરતા અનેક કાર્યક્રમો યોજાશે, જેની સીધી અસર આવનારા વર્ષોમાં સોમનાથના પ્રવાસન અને વિકાસ પર જોવા મળશે.

સોમનાથ મંદિર ખાતે આઠથી 11 જાન્યુઆરી દરમિયાન ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરવામાં આવશે. આ પર્વનું મુખ્ય આકર્ષણ 108 અશ્વો સાથે યોજાનારી 2 કિલોમીટર લાંબી ભવ્ય સ્વાભિમાન યાત્રા હશે. સોમનાથના ઇતિહાસમાં આ પ્રથમ એવો પ્રસંગ હશે જ્યારે શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી આટલા મોટા પાયે રોડ શોનું આયોજન થશે. આ યાત્રામાં આગળ અને પાછળ અશ્વોનું દળ હશે અને વચ્ચે વડા પ્રધાન મોદી જનતાનું અભિવાદન ઝીલશે. યાત્રાના અંતે પીએમ એક વિશાળ જનસભાને સંબોધિત કરશે, જેમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો થવાની પણ શક્યતા છે.

પીએમ મોદીના આ પ્રવાસનું એક વિશેષ ઐતિહાસિક કનેક્શન છે. વર્ષ 1026માં મહમૂદ ગઝ્નવીએ સોમનાથ પર આક્રમણ કર્યું હતું, જેને 2026માં પૂરા 1000 વર્ષ થઈ રહ્યા છે. આ નિમિત્તે સોમનાથની અતૂટ આસ્થાને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ‘સોમનાથ મંદિર કોરિડોર’ની ડિઝાઇન પણ આ પ્રવાસ દરમિયાન ફાઈનલ થઈ શકે છે. આ કોરિડોર સોમનાથને કાશી વિશ્વનાથ અને મહાકાલ લોકની જેમ જ ભવ્ય અને આધુનિક લુક આપશે, જે સોમનાથને વૈશ્વિક આધ્યાત્મિક કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરશે.

આ પણ વાંચો…“સોમનાથ માત્ર મંદિર નથી, ભારતનું સ્વાભિમાન” સોમનાથ પર ગઝનવી આક્રમણના 1000 વર્ષ પર પીએમ મોદીનો બ્લોગ

સોમનાથમાં દર્શન અને વિધિ પૂર્ણ કર્યા બાદ 11 જાન્યુઆરીએ વડા પ્રધાન રાજકોટ પહોંચશે, જ્યાં તેઓ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ 12 જાન્યુઆરીએ તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂકે તેવી પ્રબળ શક્યતા છે. અમદાવાદમાં મેટ્રો મુસાફરી અને મહાત્મા મંદિરના કાર્યક્રમોને લઈને અત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા અને સજાવટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button