ગીર ગઢડાના નીતલી ગામમાં ખેડૂતની કરપીણ હત્યાઃ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ | મુંબઈ સમાચાર
ગીર સોમનાથ

ગીર ગઢડાના નીતલી ગામમાં ખેડૂતની કરપીણ હત્યાઃ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

ગીર સોમનાથઃ ગીર સોમનાથમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ગીર ગઢડા તાલુકાના નીતલી ગામમાં 65 વર્ષીય ખેડૂતની હત્યા કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રામજીભાઈ વલ્લભભાઈ છેલડીયા નામના વ્યક્તિની તેમની વાડીમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે.

હત્યાની ઘટના અંગે જાણ થતા પોલીસનો કાફલો દોડી આવ્યો અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હોવાનું અનુમાન છે. ઘટનાને ગંભીરતાથી લેતા ઉનાના DySP વીએમ ચૌધરી પણ સ્થળ પર દોડી આવ્યાં હતાં.

રખેવાળી કરવા સૂતેલા ખેડૂતની કરપીણ હત્યા

ઘટના અંગે વાત કરવામાં આવે તો, રામજીભાઈ વલ્લભભાઈ છેલડીયા રોજ રાત્રે પોતાના ખેતરે સૂવા માટે જતા હોય છે. તેમના ખેતરમાં અત્યારે મગફળીનું વાવેતર કરેલું છે. ખેતર જંગલ વિસ્તારમાં આવેલું હોવાથી પાકની રખેવાળી કરવા માટે તેઓ ખેતરમાં જ સૂતા હતાં. ગત્રે રાત્રે પણ તેઓ રાબેતા મુજબ ખેતરે સૂવા માટે ગયાં હતાં. પરંતુ સવારે જ્યારે તેમનો પુત્ર વાડીએ પહોંચ્યો ત્યારે તેઓ સમગ્ર દ્રશ્ય જોઈને તે ચોંકી ઉઠ્યો હતો. પુત્રએ આ સમગ્ર ઘટના અંગે પરિવાર અને પોલીસને જાણ કરી હતી. અત્યારે પોલીસ તપાસ કરી રહી છે.

હત્યા શા માટે કરવામાં આવી એનું કારણ સ્પષ્ટ નહીં

પોલીસના જણાવ્યાં પ્રમાણે રામજીભાઈની સુતેલી હાલતમાં જ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોઈ શકે છે. જેથી આ મામલે તપાસ કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પરંતુ આ હત્યા શા કારણે થઈ અને કોણે કરી તે મામલે કોઈ વિગત જાણવા મળી નથી. પુત્ર જગદીશભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હત્યાનો ગુનો નોંધીને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button