ઉનામાં ખેડૂતો પોતે જ પોતાના ઉભા પાકનો કરી રહ્યા છે નાશ, કારણ જાણીને ચોંકી જશો

ઉના: રાજ્ય સહિત દેશભરમા ચોમાસા પડઘા બેસે, ત્યારથી ખેડૂતો સારા પાકની આશાએ પાકની વાવણીની શરૂઆત કરી દેતા હોય છે. અને જ્યારે વરસાદ મેઘરાજાના આગમન થાય ત્યારે ખેડૂતના હૃદયમાં આશાનું બીજ ખીલે છે. પરંતુ આ વર્ષે વરસાદનો મિજાજ બદલાયો, અને અણધારી મુંડા(જીવાત)ની આફતે પાકને નુકસાન પહોંચાડ્યું છે. ઘણા ખેડૂતોને ખેતરોમાં રોટાવેટર ફેરવવાની ફરજ પડી હતી. પરંતુ ગુજરાતનો ખેડૂત હતાશ નથી. વરસાદની વિચિત્ર ચાલથી પાકનું નુકસાન થયું હોય, તો પણ ખેડૂતની જીદ અને ખેતીની જીવંત ભાવના નવા પાકની આશા જગાવે છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવતી નવી હવામાન સિસ્ટમની સાથે, ખેતરો ફરી લીલુંછમ થવાની રાહ જુએ છે.

ઉના તાલુકાના પાતાપુર ગામના ખેડૂતો જીવાતના ઉપદ્રવ અને વરસાદની ખેંચને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. આ સિઝનમાં ઓછા વરસાદ અને જીવાતના હુમલાએ મગફળીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ખેડૂતોએ રોટાવેટર ફેરવીને ખેતરો સાફ કરવાની ફરજ પડી છે. આ નુકસાનથી હતાશ ખેડૂતો હવે સરકાર પાસે આર્થિક સહાયની માગ કરી રહ્યા છે, જેથી તેમની આર્થિક તંગી દૂર થઈ શકે.
આ વર્ષે ઉના પંથકમાં માત્ર 13 ઇંચ વરસાદ નોંધાયો છે, જેની અસર 15,000 હેક્ટરથી વધુ જમીનમાં થયેલા મગફળીના વાવેતર પર પડી છે. પાતાપુર ગામમાં 50 વિઘા જમીનમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું. ખેડૂતોએ મોંઘા બિયારણ અને દવાઓમાં મોટું રોકાણ કર્યું, પરંતુ જીવાતના ઉપદ્રવે પાકને નષ્ટ કરી દીધો.
મુંડા(જીવાત) નો ઉપદ્રવ અને પાણીની અછત
મુંડા નામની જીવાત ભાદરવા માસ સુધી મગફળીના મૂળને ખાઈ જાય છે, જેનાથી પાક પીળો પડીને નાશ પામે છે. વરસાદની અછત અને કૂવાઓમાં પાણીનું નીચું સ્તર પણ ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે. આ પરિસ્થિતિએ ખેતીને વધુ નુકસાન પહોંચાડ્યું છે, અને ખેડૂતોની આશાઓ પર પાણી ફરી ગયું છે.
પાતાપુર ગામના મહિલા સરપંચના પ્રતિનિધિ અશોકભાઈએ જણાવ્યું કે, અત્યાર સુધી 8 થી 10 ખેડૂતો જીવાતના કારણે પોતાના પાક પર રોટાવેટર ફેરવી રહ્યા છે. દુઃખની વાત એ છે કે, તંત્રના અધિકારીઓ હજુ સુધી ખેતરોની મુલાકાતે પહોંચ્યા નથી, જેનાથી ખેડૂતોમાં નારાજગી વધી છે. ખેડૂતો હવે સરકાર પાસે નુકસાનની ભરપાઈ અને આર્થિક સહાયની માગ કરી રહ્યા છે, જેથી તેઓ નવેસરથી ખેતી શરૂ કરી શકે.
સફેદ મુંડા રોગ શું છે?
સફેદ મુંડાએ મગફળી જેવા પાકોને નુકસાન પહોંચાડતી એક જીવાત (white grub)નો ઉપદ્રવ છે, જે પાકના મૂળને ખાઈ જાય છે. આ જીવાત ભાદરવા માસ સુધી સક્રિય રહે છે, જેના કારણે પાક પીળો પડે છે અને નાશ પામે છે. જ્યારે નુકસાન અતિશય થાય છે, ત્યારે ખેડૂતો રોટાવેટર ફેરવીને પાકને નષ્ટ કરી ખેતર સાફ કરે છે, જેથી જમીન નવા વાવેતર માટે તૈયાર થઈ શકે. આ રોગ ખેડૂતો માટે આર્થિક નુકસાનનું મુખ્ય કારણ બને છે.
આપણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિત પરિવારે યુએસની કોર્ટમાં બોઇંગ સામે કેસ દાખલ કર્યો