ગીર સોમનાથના તાલાલા પંથકમાં બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ

ગીર સોમનાથ: તાલાલા પંથક છેલ્લા બે દિવસથી સતત ધરતીકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. 19 અને 20 નવેમ્બરના રોજ સતત બે દિવસમાં કુલ ત્રણ વખત ભૂકંપના આંચકા આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, ભૂકંપની ત્રણેય ઘટનાઓમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ વારંવાર આવતા આંચકાને કારણે લોકો સાવચેત થઈ ગયા છે. આજે બપોરે આવેલા આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી આશરે 14 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું હતું.
ગુજરાતની ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થા (ISR) અનુસાર પહેલો આંચકો 19 નવેમ્બરના સવારે 06:12 વાગ્યે નોંધાયો હતો. જેની તીવ્રતા 2.7 રિક્ટર સ્કેલ નોંધાઈ હતી. જ્યારે બીજા દિવસે એટલે 20 નવેમ્બરના બપોરે 02:29 વાગ્યે બીજો આંચકો અનુભાવયો હતો, જેની તીવ્રતા 2.9 રિક્ટર સ્કેલ નોંધાઈ હતી ત્યાર બાદ બપોરે 02:53 વાગ્યે ત્રીજા આંચકાનો અનુભવ થયો હતો, જેની તીવ્રતા 3.0 રિક્ટર સ્કેલ નોંધાઈ હતી.
આ પણ વાંચો: ભારતના લેહમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, NCS શેર કરી પોસ્ટ
સતત બે દિવસમાં વારાફરતી ત્રણ ભૂકંપના આંચકા અનુભવાતા તાલાલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે આંચકાની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ મોટી નુકસાની થઈ નથી, પરંતુ ધરતીકંપની સંવેદનશીલતાને કારણે લોકો સાવધાની રાખી રહ્યા છે. અચાનક આવેલ આંચકાને કારણે ઘણા લોકો ગભરાઈને પોતાના ઘર અને દુકાનોમાંથી બહાર ખુલ્લામાં દોડી આવ્યા હતા.
ગુજરાત રાજ્ય ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ ઝોનમાં આવેલું છે, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભીય હલચલ થતી રહે છે. ISR દ્વારા આ વિસ્તારમાં આવી રહેલા આંચકાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તાલાલામાં અનુભવાયેલા આ આંચકાઓએ ફરી ગુજરાતના આ વિસ્તારોમાં સિસ્મિક એક્ટિવિટી ચાલુ હોવાનો સંકેત આપ્યો છે.


